ચાન્સેલર ઋષી સુનકે કોરોનાવાયરસથી અસરગ્રસ્ત થયેલા યુકેના સેલ્ફ એમ્પલોઇડ લોકોને ટેકો આપવા વિશ્વની અગ્રણી યોજનાની ઘોષણા કરી છે. સરકાર સેલ્ફ એમ્પલોઇડ લોકોને દર મહિને £2,500 અથવા તેમના નફાના 80% સુધીનુ રોકડ અનુદાન ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી આપશે. આ યોજનાથી દેશના હજારો લોકોને ફાયદો થશે.
સેલ્ફ એમ્પલોઇડ વ્યક્તિઓ અને ધંધાઓને બચાવવાનાં તાજેતરનાં પગલાથી સેલ્ફ એમ્પલોઇડ લોકોને મોટો લાભ થશે. આ માટે છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ માસિક નફાને ગણતરીમાં લેવાશે અને તેના 80% જેટલુ રોકડ અનુદાન આપવામાં આવશે. આમ 95% લોકોને યોજનાનો લાભ મળશે.
ક્લીનર્સ, પ્લમ્બર્સ, ઇલેક્ટ્રિશિયન, સંગીતકારો, હેરડ્રેસર અને અન્ય ઘણા સેલ્ફ એમ્પલોઇડ લોકો આ નવી યોજના માટે પાત્ર છે. તેમણે એક સરળ ઓનલાઇન ફોર્મ ભરી સીધા એચએમઆરસીમાં અરજી કરી શકશે અને તે રકમ સીધી તેમના બેન્ક એકાઉન્ટમાં જમા થશે.
આ યોજના 2018-19માં £ 50,000થી ઓછો વેપાર અથવા 2016-17, 2017-18 અને 2018-19નો સરેરાશ ટ્રેડિંગ નફો 50,000 કરતા ઓછા ધરાવતા લોકો માટે ખુલ્લી રહેશે. યોજના માટે લાયક બનવા માટે, આ સમયગાળામાં તેમની આવકનો અડધાથી વધુ ભાગ સેલ્ફ એમ્પલોયમેન્ટમાંથી આવતો હોય તે આવશ્યક છે.
છેતરપિંડી ઘટાડવા માટે ફક્ત જેઓ સેલ્ફ એમ્પલોયમેન્ટમાં છે અને ઉપરોક્ત શરતોને પૂર્ણ કરે છે તેઓ જ અરજી કરવા માટે પાત્ર બનશે. એચએમઆરસી પાત્ર કરદાતાઓની ઓળખ કરશે અને કેવી રીતે આ માટે અરજી કરવી તેના માર્ગદર્શન સાથે તેમનો સીધો જ સંપર્ક કરશે. ઇન્કમ સપોર્ટ સ્કીમ એચએમઆરસી દ્વારા ત્રણ મહિના માટે મે માસ સુધી આવરી લેવાશે અને તમામ ગ્રાન્ટ એક જ વખતે જૂનના પ્રારંભમાં ચૂકવવામાં આવશે.
જેઓ પોતાની કંપની દ્વારા પોતાને પગાર અને ડિવિડન્ડ ચૂકવે છે તેઓને આ યોજના દ્વારા આવરી લેવામાં આવતાં નથી, પરંતુ જેઓ પે યોજના હેઠળ છે તેમને કોરોનાવાયરસ જોબ રીટેન્શન યોજના દ્વારા તેમના પગાર માટે આવરી લેવામાં આવશે.