ઋષિ સુનક અને લિઝ ટ્રુસની લોકપ્રિયતા પર ફટકો પડ્યો છે. નવા સર્વે મુજબ જનતાને લાગે છે કે લેબર નેતા સર કેર સ્ટાર્મર કરતાં બેમાંથી કોઇ વધુ સારા વડા પ્રધાન બની શકે તેમ નથી. બીજી તરફ બોરિસ જૉન્સનને લેબર લીડર કરતાં લોકો વધુ સારા સમજે છે. વડા પ્રધાન તરીકેના સર્વેક્ષણમાં ટોરી સભ્યોના મતદાનમાં ઋષિ સુનક કરતાં લિઝ ટ્રસ હજુ વધુ લોકપ્રિય જણાય છે.
નવા મતદાનમાં લેબર લીડર સામે જૉન્સનને 28% મતદારો દ્વારા શ્રેષ્ઠ વડાપ્રધાન તરીકે સમર્થન આપવામાં આવ્યું હતું. ધ ટાઇમ્સ માટેના યુગોવ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે શ્રેષ્ઠ વડા પ્રધાન તરીકે શ્રીમતી ટ્રસને 28% મત, સર કેર સ્ટાર્મરને 31% મત અને સુનકને 27% મત મળ્યા હતા.
શ્રીમતી ટ્રસ અને શ્રી સુનક ટોરી સભ્યપદના મતદાનમાં આગામી કન્ઝર્વેટિવ લીડર તરીકે પસંદ કરવા માટે સતત લડત આપી રહ્યા છે. સર્વેમાં જણાયું હતું કે 2019માં ટોરીઝને સમર્થન આપનારા સ્વિંગ મતદારોમાં, 62% લોકો હજુ પણ સર કેર સામે જૉન્સનને સમર્થન આપે છે. જ્યારે ટ્રસને 59% અને સુનકને 55% સમર્થન મળે છે.
શ્રીમતી ટ્રસ ટોરી મતદારોમાં સુનક કરતાં વધુ લોકપ્રિય દેખાય છે. વધુ સારા પીએમ તરીકે 2019માં કન્ઝર્વેટિવને મત આપનારા 41% લોકોએ શ્રીમતી ટ્રસને અને 26%એ શ્રી સુનકને સમર્થન આપ્યું હતું. જ્યારે બધા મતદારોનો સર્વે કરાતા શ્રીમતી ટ્રસ અને શ્રી સુનકને 24% એટલે કે સરખું સમર્થન મળ્યું હતું. તમામ મતદારોમાંથી લગભગ અડધા (49%)ને ખાતરી ન હતી કે કોણ શ્રેષ્ઠ PM બનશે. યુગોવ માટે 4 થી 5 ઓગસ્ટની વચ્ચે 1,968 લોકોએ મતદાન કર્યું હતું.
ટ્રસ અને સુનક વચ્ચે કોસ્ટ-ઓફ-લિવિંગ કટોકટી અંગેના અભિગમ બાબતે મતદાનમાં જાણવા મળ્યું છે કે 64 ટકા મતદારો માને છે કે ફુગાવો નવા PMની મુખ્ય પ્રાથમિકતા હોવી જોઈએ. માત્ર 17 ટકાએ કહ્યું હતું કે તેમણે ટેક્સ કટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
શ્રીમતી ટ્રસે સત્તા સંભાળ્યા બાદ તુરંત જ નેશનલ ઇન્સ્યોરંશ અને એનર્જી બિલો પરની ગ્રીન લેવીમાં ઘટાડો કરવાનું વચન આપ્યું છે. પરંતુ સુનકે તેમના હરીફ પર ‘સ્ટેરી-આઇઝ બૂસ્ટરિઝમ’નો આરોપ મૂકી ફુગાવો નિયંત્રણમાં આવે પછી જ કર ઘટાડવાની પ્રતિજ્ઞા લીધી છે. ટ્રસની છાવણીએ વળતો પ્રહાર કરી પૂર્વ ચાન્સેલર સુનકને ‘મંદીના સ્થાપક પિતા’ તરીકે ઓળખાવ્યા છે.