બ્રિટનમાં વસતા 1.8 મિલીયન ભારતીયો અને વિશાળ હિન્દુ સમુદાયને ગૌરવ અપાવનાર દેશના ચાન્સેલર ઋષી સુનકે તેમના 11 ડાઉનીંગ સ્ટ્રીટના સત્તાવાર નિવાસ સ્થાને પારંપરિક રીતે દીપાવલિ ઉત્સવની ઉજવણી કરવા સાથે ઘરના આંગણે દિવાઓ પ્રગટાવતા ભારતીય સમુદાય ગદગદ થઇ ઉઠ્યો હતો
ચાન્સેલર ઋષિ સુનકે કહ્યું હતું કે આ વર્ષે દિવાળીની ઉજવણી કરવી મુશ્કેલ રહેશે, પરંતુ તેમણે ભારતીયો અને હિન્દુઓને લોકડાઉન પ્રતિબંધોને વળગી રહેવા તાકીદ કરી હતી. હિન્દુ ધર્મ પાળતા શ્રી સુનકે પરિવારોને આ વર્ચ્યુઅલી મળવા પ્રોત્સાહિત કર્યા હતા અને સંદેશો આપ્યો હતો કે આપણે આમાંથી પસાર થઈ જઇશું.
સુનકે, બીબીસીની સીમા કોટેચા સાથે વાત કરતાં કહ્યું હતું કે “આસ્થા મારા માટે મહત્વની છે, હું એક પ્રેક્ટિસીંગ હિન્દુ છું, હું મારા બાળકો સાથે પ્રાર્થના કરું છું, જ્યારે શક્ય હોય ત્યારે હું મંદિરે પણ જાઉ છું. હિન્દુ તરીકે અમારા માટે, દિવાળી વિશેષ છે, અને આ વર્ષે તે મુશ્કેલ બનશે. પરંતુ હવે મે ઝૂમ પર એક બીજાને મળીએ છીએ. પ્રેમનું બંધન હંમેશાં ત્યાં જ રહેશે.”