ભારતીય ક્રિકેટ ટીમનો આકર્ષક, આક્રમક બેટ્સમેન ઋષભ પંત શુક્રવારે (30 ડીસેમ્બર) કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો, તેને દહેરાદૂનની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે અને સોમવારે તેને આઈસીયુમાંથી રૂમમાં ખસેડવાયો હતો. હવે તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. તેના પગના લિગામેંટની સારવાર માટે ભારતીય ક્રિકેટ બોર્ડે જવાબદારી લીધી છે, કારણ કે ક્રિકેટર તરીકેની તેની કારકિર્દી અને ભારતીય ટીમ માટે તે સૌથી મહત્ત્વની બાબત છે. બોર્ડ એની શ્રેષ્ઠ સારવાર માટે તેને વિદેશ મોકલવાનો નિર્ણય પણ લઈ શકે છે.
પંતને શુક્રવારે વહેલી સવારે દિલ્હીથી રૂડકી જતી વખતે દિલ્હી-દહેરાદૂન હાઈવે પર અકસ્માત થયો હતો. તેની કાર અચાનક બેકાબૂ થઈ રેલિંગ સાથે અથડાઈ પડતાં સળગી ઉઠી હતી. આ ગંભીર અકસ્માતમાં પંતનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો.
જો કે, તેને માથામાં, જમણા હાથમાં, પગની એડીમાં, પીઠમાં તેમજ પગના અંગુઠામાં પણ ઈજાઓ થઈ હતી. આ ઉપરાંત, સૌથી વધુ મહત્ત્વની ઈજા તેના જમણા પગનું લિગામેન્ટ ફાટી ગયાની થઈ હતી. આ રીતે ગંભીર ઈજાઓના કારણે પંત હવે ફરી ક્યારે ક્રિકેટ રમતો થશે તેનું હાલમાં તો કોઈ અનુમાન પણ લગાવી શકાય તેમ નથી.