ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રૂ.5,710 કરોડમાં જસ્ટ ડાયલને હસ્તગત કરવાની જાહેરાત કરીને લોકલ સર્ચ સર્વિસ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. 25 વર્ષ જૂની કંપની જસ્ટ ડાયલ તેની વેબસાઇટ, મોબાઇલ એપ અને ટેલિફોન લાઇન મારફત લોકલ સર્ચ એન્ડ ઇ-કોમર્સ સર્વિસ પૂરી પાડે છે. વેબ, એપ અને વોઇસ પ્લેટફોર્મમાં આશરે 30 મિલિયન લિસ્ટિંગ્સ સાથે જસ્ટ ડાયલ ભારતની અગ્રણી લોકલ સર્ચ સર્વિસ કંપની છે.
બંને કંપનીઓ વચ્ચેની સમજૂતી મુજબ રિલાયન્સ પ્રેફરન્શિયલ શેરને સબસ્ક્રાઇબ કરીને તથા મુખ્ય પ્રમોટર વીએસએસ મણી અને તેમના પરિવાર પાસેથી શેર ખરીદીને જસ્ટ ડાયલનો 40.95 ટકા હિસ્સો રૂ.3,497 ખરીદશે. આ ઉપરાંત જસ્ટ ડાયલના પબ્લિક શેરહોલ્ડર્સ પાસેથી વધુ 26 ટકા હિસ્સો ખરીદવા ઓપન ઓફર કરશે. આ ઓપન ઓફર આશરે રૂ.2,222 કરોડની હશે.
રિલાયન્સ દ્વારા જસ્ટ ડાયલમાં આ હિસ્સેદારી હસ્તગત કરવા માટે સંબંધિત મંજૂરીઓ મેળવવાની રહેશે. વીએસએસ મણી જસ્ટ ડાયલના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે યથાવત્ રહેશે. ઉલ્લેખનિય છે કે, જસ્ટડાયલ કંપનીમાં મેનેજીંગ ડાયરેટર વીએસએસ મણિ અને તેમના પરિવારની 35.5 ટકા હિસ્સેદારી છે જેની વર્તમાન વેલ્યુ રૂ. 2,387.9 કરોડ છે. આ સોદો થવાથી રિલાયન્સ રિટેલને જસ્ટ ડાયલના મર્ચન્ટ ડેટાબેઝનો ફાયદો મળશે. તો રિલાયન્સ દેશની સૌથી મોટી સંગઠિત રિટેલર બની ચુકી છે બીજી તરફ જસ્ટ ડાયલ લોકલ સર્ચ એન્જિન સેગમેન્ટમાં માર્કેટ લીડર છે.