રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચે થયેલી બહુચર્ચિત ડીલ વિરૂદ્ધ એમેઝોનની અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે એમેઝોનના પક્ષમાં ચુકાદો આપ્યો છે. રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની આશરે રૂા.24 હજાર કરોડની ડીલ પર હાલ રોક લગાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સને ફટકો પડયો છે.
સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે સિંગાપુરમાં ઇમર્જન્સી આર્બિટ્રેશનનો ચુકાદો ભારતમાં પણ લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે, સિંગાપુરમાં રિલાયન્સ-ફ્યુચર ગ્રુપના ચુકાદા પર રોક લગાવી દેવામાં આવી હતી અને ત્યાર બાદ ભારતમાં પણ એમેઝોને વિલય સોદા વિરૂદ્ધ અરજી કરી હતી.
દેશના વિવિધ વિસ્તારોમાં ફેલાયેલા બિગ બજાર એ ફ્યુચર ગ્રુપનો જ હિસ્સો છે. થોડા સમય પહેલા રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપમાં રિટેલ માર્કેટને લઈ સૌથી મોટી સમજૂતી થઈ હતી અને 24,713 કરોડની ડીલ બાદ રિલાયન્સ પાસે ફ્યુચર ગ્રુપના માલિકી હક આવી ગયા હતા. આ ડીલન સામે એમેઝોને વિરોધ નોંધાવ્યો હતો કારણ કે, ફ્યુચર ગ્રુપની એક કંપનીમાં એમેઝોનનો 49 ટકા ભાગ હતો. ડીલ પ્રમાણે જો કંપની વેચવામાં આવે તો તેને ખરીદવાનો પહેલો અધિકાર એમેઝોનને જ મળે. પરંતુ રિલાયન્સ-ફ્યુચર ગ્રુપની ડીલમાં તેનું પાલન નહોતું કરવામાં આવ્યું હતું.