(istockphoto.com)

ભારતના રિટેલ ક્ષેત્રમાં વર્ચસ્વ માટેની મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જેફ બેઝોની આગેવાની હેઠળની એમેઝોન વચ્ચેની પરોક્ષ લડાઈના પ્રથમ તબક્કામાં રવિવારે એમેઝોનનો વિજય થયો છે.

સિંગાપુર સ્થિત આર્બિટ્રેશન કોર્ટે 25 ઓક્ટોબરે વચગાળાનો હુકમ આપતા ફ્યુચર ગ્રુપ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને 24,713 કરોડ રૂપિયામાં પોતાનો રિટેલ બિઝનેશ વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. કિશોર બિયાનીની આગેવાની હેઠળની કંપનીએ પોતાનો રિટેલ બિઝનેસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને વેચવાનો નિર્ણય કરાયા બાદ એમેઝોન ફ્યુચર ગૃપને આર્બિટ્રેશન કોર્ટમાં લઇ ગઇ હતી.
ફ્યુચર રિટલે સોમવારે સંકેત આપ્યો હતો કે તે આર્બિટ્રેશન ચુકાદાને ઇન્ડિયન લીગલ ફોરમમાં પડકારી શકે છે, જેથી રિલાયન્સ સાથેની 24,713 કરોડની ડીલ સામે કોઇ અવરોધ ન આવે.

એમેઝોન વિરૂધ્ધ ફ્યુચર વિરૂધ્ધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના આ કેસમાં સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટ્રર (SIAC)એ એમેઝોનની તરફેણમાં વચગાળાનો ચુકાદો આપ્યો હતો અને ફ્યુચર ગૃપને હાલ આ સોદાને રોકવાનું કહ્યું છે.
ફ્યુચર ગ્રૂપ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સોદાથી ભારતના રિટેલ સેક્ટરમાં વર્ચસ્વ માટે વિશ્વના સૌથી ધનિક જેફ બેઝો અને ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણી વચ્ચેની આ પરોક્ષ લડાઈ છે.

કિશોર બિયાનીની હોલ્ડિંગ કંપની ફ્યુચર કુપન્સ પ્રાઇવેટ લિમિટેડ ((FCPL)માં એમેઝોન પણ 1,500 કરોડનું રોકાણ કરેલું હોવાથી આ વિવાદ ઊભો થયો છે. અમેઝોનના સીઇઓ જેફ બેઝો માટે આ રોકાણ મામુલી છે, પરંતુ નિષ્ણાતો જણાવે છે કે ફ્યુચર ગ્રૂપ સામે એમેઝોનનો કાનૂની પ્રહાર ભારતના રિટેલ ક્ષેત્રમાં રિલાયન્સ વર્ચસ્વ મેળવવા માટેના પ્રયાસને આડકતરી રીતે રોકવાનો હેતુ છે.