
ફોર્બ્સે જારી કરેલી 2021ની વિશ્વની શ્રેષ્ઠ નોકરીદાતા કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની તમામ કંપનીઓમાં ટોચના સ્થાને રહી છે. મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ 750 કંપનીઓની વૈશ્વિક યાદીમાં 52માં ક્રમે રહી છે. વૈશ્વિક યાદીમાં ફિલિપ્સ, ફાઇઝર અને ઇન્ટેલ જેવી વિશ્વની દિગ્ગજ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ટોચના 100 સ્થાનમાં રહેલી ભારતની બીજી કંપનીઓમાં આઇસીઆઇસીઆઇ બેન્ક 65માં ક્રમે, એચડીએફસી 77માં ક્રમે અને એચસીએલ ટેકનોલોજી 90માં સ્થાને રહી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ને 119મું અને લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી)ને 127માં સ્થાન મળ્યું છે. ઇન્ફોસિસ 588માં ક્રમે અને ટાટા ગ્રૂપ 746માં સ્થાને રહ્યું છે.
લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (એલઆઇસી) આ પ્રતિષ્ઠિત યાદીમાં 504માં ક્રમે રહી છે.
આ યાદી કર્મચારીઓના વ્યાપક સરવેને આધારે તૈયાર કરવામાં આવી છે, જેમાં કર્મચારીઓએ વિવિધ પોઇન્ટ્સના આધારે તેમની કંપનીને રેટિંગ આપ્યું છે.
વૈશ્વિક યાદીમાં સાઉથ કોરિયાની દિગ્ગજ કંપની સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ પ્રથમ સ્થાને રહી છે. આ પછી અનુક્રમે આઇબીએમ, માઇક્રોસોફ્ટ, એમેઝોન, એપેલ, આલ્ફાબેટ અને ડેલનું સ્થાન છે. વિશ્વની શ્રેષ્ઠ નોકરીદાતા કંપનીઓની યાદીમાં ચીનની હુઆવી આઠમાં ક્રમે રહી છે.
ફોર્બ્સે જણાવ્યું હતું કે આ સરવેમાં 58 દેશોમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સંસ્થાઓમાં ફુલ ટાઇમ અને પાર્ટટાઇમ નોકરી કરતાં 1,50,000 કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા હતા. ફોર્બ્સે આ યાદી તૈયાર કરવા માટે માર્કેટ રિસર્ચ કંપની સ્ટેટિસ્ટાની મદદ લીઘી હતી.
ફોર્બ્સે જણાવ્યું હતું કે સરવેમાં કર્મચારીઓને પૂછવામાં આવ્યું હતું કે તેઓ પોતાના મિત્રો અને પરિવારને તમારી કંપનીઓ માટે ભલામણના સંદર્ભમાં કેટલાં રેટિંગ આપશો. કર્મચારીઓને સંબંધિત ક્ષેત્રોની બીજી કંપનીઓ માટે રેટિંગ આપવાનું પણ કહેવામાં આવ્યું હતું. સૌથી વધુ સ્કોર મેળવનારી 750 કંપનીઓનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત કર્મચારીઓને કંપનીની ઇમેજ, નાણાકીય વ્યાપ, ટેલેન્ટ ડેવલમેન્ટ, સ્ત્રી પુરુષ સમાનતા અને સામાજિક જવાબદારીના મુદ્દે પણ કંપનીઓને રેટિંગ આપવા જણાવવામાં આવ્યું હતું. સૌથી વધુ કુલ સ્કોર મેળવનારી કંપનીઓનો અંતિમ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આવક, નફો અને બજારમૂલ્યના સંદર્ભમા ભારતની ટોચની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 2020-21ના મહામારીના વર્ષમાં રોજગારીની નવી 75,000 તકનું નિર્માણ કર્યું હતું. ફોર્બ્સે જણાવ્યું હતું કે આ તમામ સરવેમાં કર્મચારીના નામ જાહેર કરવામાં આવ્યા નથી, જેથી તેઓ મુક્ત રીતે પોતાનો અભિપ્રાય આપી શકે છે.
આ યાદીમાં સામેલ ભારતની બીજી કંપનીઓમાં બજાજ 215મા, એક્સિસ બેન્ક 254, ઇન્ડિયન બેન્ક 314, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પ 404, અમરા રાજા ગ્રૂપ 405, કોટક મહિન્દ્રા બેન્ક 418 અને બેન્ક ઓફ ઇન્ડિયા 451માં સ્થાને આવી છે. આઇટીસી 453માં ક્રમે, જ્યારે સિપ્લા 460માં સ્થાને અને બેન્ક ઓફ બરોડા 496માં સ્થાને આવી હતી.
