મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આશરે 15 બિલિયન ડોલરમાં સાઉદી અરામ્કોને તેના ઓઇલ રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ બિઝનેસનો 20 ટકા હિસ્સો વેચવાની યોજનાને અભરાઈએ ચડાવી દીધી છે. કંપનીએ આ હાઇપ્રોફાઇલ સોદાને મોકૂફ રાખવા માટે પુનઃમૂલ્યાંકનનું કારણ આપ્યું છે.
આ અંગેની જાહેરાત કરતાં રિલાયન્સે જણાવ્યું હતું કે “રિલાયન્સના બિઝનેસ પોર્ટફોલિયોમાં ઊભરતા બદલાવને કારણે રિલાયન્સ અને સાઉદી અરામ્કોએ પરસ્પર સંમતી નક્કી કર્યું છે કે બદલાયેલા પરિપ્રેક્ષ્યમાં O2C બિઝનેસમાં સૂચિત રોકાણનું પુનઃમૂલ્યાંકન કરવાનું બંને પક્ષો માટે લાભકારક છે”. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે તે ભારતના ખાનગી ક્ષેત્રમાં રોકાણ માટે સાઉદી અરામ્કોની પસંદગીની ભાગીદાર બની રહેશે.
અંબાણીએ ઓગસ્ટ 2019માં શેરહોલ્ડર્સની વાર્ષિક સામાન્ય સભામાં જાહેરાત કરી હતી કે કંપની તેના ઓઇલ ટુ કેમિકલ (O2C) બિઝનેસનો 20 ટકા હિસ્સો વેચવા વિશ્વની ક્રૂડ ઓઇલની સૌથી મોટી નિકાસકાર કંપની અરામ્કો સાથે મંત્રણા કરી રહી છે. રિલાયન્સના આ બિઝનેસમાં જામનગર ખાતેની ઓઇલ રિફાઇનરી, પેટ્રોકેમિકલ એસેટ અને બીપી સાથેના ફ્યુઅલ રિટેલિંગ સંયુક્ત સાહસનો સમાવેશ થાય છે. તે સમયે જાહેરાત થઈ હતી કે માર્ચ 2020માં આ ડીલની પ્રક્રિયા પૂરી થશે. આ મહેતલ સુધીમાં ડીલ થઈ ન હતી અને તે માટે કોરોના મહામારીને જવાબદાર ગણવામાં આવી હતી.
આ વર્ષની એજીએમમાં અંબાણીએ જણાવ્યું હતું કે આ ડીલ વર્ષના અંત સુધીમાં થઈ જશે. તે સમયે મુકેશ અંબાણીએ વિશ્વના સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી મેન્યુફેચરિંગ પ્લાન્ટની સ્થાપના સસાથે નવા એનર્જી સાહસોની જાહેરાત કરી હતી.
અરામ્કો ડીલની આ નવી મહેતલ અને નવા એનર્જી બિઝનેસની એકસાથે જાહેરાત થઈ હતી, પરંતુ તે સ્પષ્ટ નથી કે જૂન પછી સ્થિતિમાં એવો શું ફેરફાર થયો છે કે જેથી હવે આ ડીલ માટે રિ-ઇવેલ્યુએશનની જરૂર પડી. રિલાયન્સે કંપનીમાંથી તેના આ O2C બિઝનેસને અલગ કરવાની નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં કરેલી દરખાસ્તને પણ પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે.