મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રઝ લિમિટેડ ભારતમાં રોકાણકારો માટે સૌથી મોટી સંપતિ સર્જક તરીકે ઊભરી આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં વર્ષ ૨૦૧૬ થી વર્ષ ૨૦૨૧ દરમિયાન કંપનીએ ૯.૬ લાખ કરોડથી વધુ સંપતિનું સર્જન કર્યું હોવાનું મોતીલાલ ઓસ્વાલના ૨૬માં વાર્ષિક વેલ્થ ક્રિએશન સ્ટડીમાં જણાવાયું છે. આ સાથે મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વર્ષ ૨૦૧૪-૧૯માં સંપતિ સર્જનના પોતાના રૂ.૫.૬ લાખ કરોડના રેકોર્ડને તોડયો છે. જ્યારે અદાણી ગુ્રપની બે કંપનીઓ અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઈસીઝ ૯૩ ટકા પ્રાઈસ સીએજીઆરની રીતે અને સંપતિ સર્જનમાં સાત્તત્યની રીતે સૌથી વધુ ૮૬ ટકા પ્રાઈસ સીએજીઆર સાથે વર્ષ ૨૦૧૬-૨૧ દરમિયાન સૌથી ઝડપી સંપતિ સર્જન કરનારી કંપનીઓ તરીકે ઊભરી આવી છે. આ સાથે છેલ્લા પાંચ વર્ષમાં ટોચની ૧૦૦ કંપનીઓએ રૂ.૭૧ લાખ કરોડનું સંપતિ સર્જન કર્યું હોવાનું આ અભ્યાસમાં જણાવાયું છે.
મોતીલાલ ઓસ્વાલ સ્ટડીમાં નાણાકીય વર્ષ ૨૦૧૬ એટલે કે વર્ષ ૨૦૧૫-૧૬ને આવરી લેવાયું છે અને સંપતિ સર્જન કરનારી ટોચની ૧૦૦ કંપનીઓને કંપનીના શેરના ભાવની રીતે બીએસઈ સેન્સેક્સને આઉટપર્ફોર્મ કરવાને આધીન ક્રમાંક આપવામાં આવ્યા છે. આ સાથે કંપનીઓને આ સમયગાળામાં પ્રાઈસ સીએજીઆર પ્રમાણે પણ ક્રમાંક આપવામાં આવ્યા છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી મોટી સંપતિ સર્જક તરીકે ઊભરી આવી છે. કેશ ફ્લોનું મજબૂત મેનેજમેન્ટ ધરાવતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેનું સમજદારીપૂર્વક ફરી રોકાણ કરી રહી છે અને વિશ્વને પાછળ મૂકી દેતાં બિઝનેસોનું નિર્માણ કરવા સક્ષમ રહી હોવાનું મોતીલા ઓસ્વાલ ફાઈનાન્શિયલ સર્વિસિઝના ચેરમેન રામદેવ અગ્રવાલે જણાવ્યું હતું.