ગયા વર્ષે 20 જાન્યુઆરીના રોજ બોર્ડસ્લી વિલેજના એક ઘરમાં નકલી પોલીસનો વેશ ધારણ કરીને દંપત્તીને હાથકડી પહેરાવી £10,000ની રકમની લૂંટ કરનારા આરોપીઓ પૈકીના ચાર્લેકોટ રોડ, ડેગનહામ, એસેક્સ ખાતે રહેતા 56 વર્ષીય રિફત મેહમતનું સોમવાર, 14 ફેબ્રુઆરીએ બર્મિંગહામ જેલમાં મૃત્યુ થયું હતું. લૂંટના ગુનામાં દોષિત ઠેરવ્યા બાદ તેને કોર્ટમાં સજા સંભળાવવાની હતી.
વિન્સન ગ્રીન જેલમાંથી મૃત હાલતમાં મળી આવેલા રિફતના મૃત્યુના કારણ વિષે ખબર પડી નથી. રીફાત અને તેના સાગરીતો સ્ટેબ વેસ્ટ, ખાલી યુટિલિટી બેલ્ટ, કોવિડ-સ્ટાઇલ માસ્ક અને વાદળી ગ્લોવ્ઝ પહેરી દંપત્તીના ઘરમાં ઘુસ્યા હતા. તેમણે દંપતીને હાથકડી પહેરાવી લગભગ રોકડ અને ઘરેણાંની લુટ ચલાવી હતી.
પોલીસને માહિતી મળતા તેમનો ફિલ્મી ઢબે પીછો કરી મેહમત, તેના એક પુરૂષ અને એક મહિલા સાગરીતને પકડી લેવાયા હતા. બચવાના પ્રયાસમાં તેમણે એક પોલીસ કારને ટક્કર મારી હતી. એક સમયે તો રિફાતે તેની કાર 117 માઇલ પ્રતિ કલાકની ઝડપે હંકારી હતી. પોલીસે મેટ્રોપોલિટન પોલીસ સ્ટેબ વેસ્ટ, યુટિલિટી બેલ્ટ અને હાથકડીના ત્રણ સેટ અને ચોરેલી કાર કબ્જે કરી હતી. જોકે ચોરેલા દાગીના તેમણે ભાગતી વખતે ક્યાંક ફેંકી દીધા હોવાથી મળી શક્યા નહતા.