ભારતના 77મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ, ત્રણ વખતના ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજે સોમવારે લંડનના આઇકોનિક એબી રોડ સ્ટુડિયોમાં અત્યાર સુધીના સૌથી મોટા ઓર્કેસ્ટ્રા સાથે રેકોર્ડ કરાયેલા ભારતના રાષ્ટ્રગીતની રજૂઆત કરી હતી.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટ્વિટર પર આ વિષે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે “અદ્ભુત. તે દરેક ભારતીયને ચોક્કસપણે ગૌરવ અપાવશે.’’
ભારતના રાષ્ટ્રગીતની ‘જન ગણ મન’ ના રેકોર્ડિંગમાં રોયલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રા (RPO)ના 100-પીસના બ્રિટિશ ઓર્કેસ્ટ્રાનો સમાવેશ કરાયો છે અને તે થોડા દિવસો પહેલા તા. 15ને મંગળવારે આવતા ભારતના સ્વતંત્રતા દિવસ માટે રેકોર્ડ કરવામાં આવ્યું હતું. કેજ અને લંડન સ્થિત ભારતીય હાઇ કમિશને માઇલસ્ટોનને ચિહ્નિત કરતા હોવાથી ડાયસ્પોરાના સભ્યોને એક મિનિટનો વિડિયો શેર કરવા માટે આહ્વાન કર્યું હતું.
કેજે એક ટ્વિટ કરી જણાવ્યું હતું કે “થોડા દિવસો પહેલા, મેં લંડનના સુપ્રસિદ્ધ એબી રોડ સ્ટુડિયોમાં ભારતનું રાષ્ટ્રગીત રજૂ કરવા માટે 100-પીસ બ્રિટિશ ઓર્કેસ્ટ્રા, ધ રોયલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રાનું આયોજન કર્યું હતું. ભારતનું રાષ્ટ્રગીત રેકોર્ડ કરવા માટેનું આ અત્યાર સુધીનું સૌથી મોટું ઓર્કેસ્ટ્રા છે, અને તે અદભૂત છે! અંતે ‘જય હે’ના નાદે મને ઘણો આનંદ આપ્યો હતો. એક ભારતીય સંગીતકાર તરીકે મને તે ખૂબ જ સારું લાગ્યું. હું તમારા દરેક સાથે આ ઐતિહાસિક રેકોર્ડિંગ શેર કરી રહ્યો છું. આ સ્વતંત્રતા દિવસે તેનો ઉપયોગ કરો, તેને શેર કરો, તેને જુઓ, આદર સાથે… હવે તે તમારું છે. જય હિંદ.”
A few days ago, I conducted a 100-piece British orchestra, The Royal Philharmonic Orchestra to perform India’s National Anthem at the legendary Abbey Road Studios, London. This is the largest orchestra ever to record India's National Anthem and it is spectacular! The "Jaya He" at… pic.twitter.com/sqJGW8mTDu
— Ricky Kej (@rickykej) August 14, 2023
કેજે 2022માં ભારતના 12 શરણાર્થી ગાયકો સાથે ભારતનું રાષ્ટ્રગીત રજૂ કર્યું હતું. તે ગાયકો સાથે મ્યાનમાર, અફઘાનિસ્તાન અને કેમેરોન સહિત અન્ય સ્થળોના વસાહતીઓ પણ જોડાયા હતા.
આરપીઓ યુકેના “સૌથી વધુ માંગ ધરાવતા” ઓર્કેસ્ટ્રા તરીકે ઓળખાય છે, જેની સ્થાપના સર થોમસ બીચમ દ્વારા ભારતની આઝાદીના એક વર્ષ પહેલા 1946માં કરવામાં આવી હતી.
યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે “ત્રણ વખતના ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજ, હંમેશા નવીનતા લાવે છે, સંગીતની દુનિયામાં કંઈક નવું કરવાની લાગણી ધરાવે છે. આ વર્ષે, લંડનમાં રોયલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રા સાથે ભારતના રાષ્ટ્રગીતના રેકોર્ડિંગ અને પ્રદર્શન સાથે ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા; અત્યાર સુધીનું સૌથી મોટું ઓર્કેસ્ટ્રા સાથે ભારતીય રાષ્ટ્રગીતને રેકોર્ડ કરવા અને ભારતને અંજલિ આપવા માટે અમે રિકીને એક અનોખા પ્રોજેક્ટ માટે અભિનંદન આપી તેમનો આભાર માનીએ છીએ.
લંડનમાં ભારતીય હાઇ કમિશન ખાતે મંગળવારે સવારે પરંપરાગત ધ્વજવંદન સમારોહ અને રાષ્ટ્રગીતની પોતાની પ્રસ્તુતિ સાથે પ્રસંગને ચિહ્નિત કરાશે.