અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને ભારત ખાતેના ભૂતપૂર્વ એમ્બેસેડર રીચર્ડ વર્માની સ્ટેટ ડીપાર્ટમેન્ટમાં ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ધ મેનેજમેન્ટ એન્ડ રીસોર્સીઝના પદ માટે પસંદગી કરી છે.
જો સેનેટ દ્વારા આ નિયુક્તિને મંજૂરી આપવામાં આવશે તો તેઓ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ ક્રમાંકના ઇન્ડિયન અમેરિકન રાજદ્વારી હશે.
રીચર્ડ વર્માએ 2015-2017 સુધી નવી દિલ્હીમાં ભારતમાં 25મા યુએસ એમ્બેસેડર તરીકે સેવા આપી હતી અને યુએસ-ભારત દ્વિપક્ષીય જોડાણને વધુ ગાઢ બનાવવા માટે તેમને મહત્ત્વનો શ્રેય આપવામાં આવ્યો હતો. રીચર્ડ વર્મા અત્યારે માસ્ટરકાર્ડમાં ચીફ લીગલ ઓફિસર અને ગ્લોબલ પબ્લિક પોલિસી હેડ છે, તેમણે ઓબામા એડમિનિસ્ટ્રેશનમાં 2009-2011 દરમિયાન સ્ટેટ ફોર લેજિસ્લેટિવ અફેર્સના આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે પણ સેવા આપી હતી.
તેમની પસંદગી અંગેની જાહેરાત કરતા વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “રીચર્ડ વર્મા તેમની કારકિર્દીની શરૂઆતમાં યુએસ સેનેટર હેરી રીડ (D-NV)ના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર હતા. તેઓ ડેમોક્રેટિક વ્હિપ, લઘુમતી લીડર અને પછી યુએસ સેનેટના બહુમતી લીડર પણ હતા.”
આ ઉપરાંત તેમણે ધ એશિયા ગ્રૂપના વાઇસ ચેરમેન, સ્ટેપ્ટો એન્ડ જોહ્નસન એલએલપીમાં પાર્ટનર અને સીનિયર કાઉન્સેલર અને અલબ્રાઇટ સ્ટોનબ્રિજ ગ્રૂપમાં સીનિયર કાઉન્સેલર તરીકે સેવા આપી છે. તેઓ અમેરિકન એરફોર્સમાં પણ કામ કરી ચૂક્યા છે, જ્યાં તેમણે જજ એડવોકેટ તરીકે સક્રિય ફરજ બજાવી હતી. તેમણે લીહાઈ યુનિવર્સિટીમાં, અમેરિકન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેમણે જ્યોર્જટાઉન યુનિવર્સિટી લો સેન્ટરમાં એલએલ.એમ. અને જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે.”