બ્રિટિશ બિલિયોનેર સર રિચાર્ડ બ્રેન્સનની કેલિફોર્નિયા સ્થિત સેટેલાઇટ પ્રક્ષેપણ રોકેટ કંપની ‘વર્જિન ઓર્બિટ’એ નવા રોકાણને સુરક્ષિત કરવામાં નિષ્ફળ જતાં યુએસમાં નાદારી નોંધાવી છે. કંપનીએ અઠવાડિયા પહેલા કામગીરી અટકાવી દીધી હતી પરંતુ હજુ તે બિઝનેસ માટે ગ્રાહક શોધવાની આશા રાખે છે.
2017માં સ્થપાયેલી કંપનીએ ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે તે તેના 750-મજબૂત કર્મચારીઓમાંથી 85%ને ઓછા કરશે. આ વર્ષની શરૂઆતમાં, વર્જિન ઓર્બિટ રોકેટ યુ.કે.ની ધરતી પરથી તેના પ્રથમ વખતના ઉપગ્રહ પ્રક્ષેપણને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું હતું. કંપનીનું ગયા વર્ષના સપ્ટેમ્બર સુધીમાં કુલ દેવુ $153.5 મિલિયનનું હતું.
સર રિચાર્ડ અને વર્જિન ગ્રૂપે ‘વર્જિન ઓર્બિટ’ દ્વારા ઉપગ્રહો પ્રક્ષેપિત કરવા અને પ્રવાસીઓને સબ-ઓર્બિટલ સ્પેસની ટૂંકી સફર પર લઈ જવા માટે પુનઃઉપયોગ લઇ શકાય તેવા “સ્પેસ પ્લેન” વિકસાવવા માટે બિઝનેસમાં $1 બિલિયન કરતાં વધુનું રોકાણ કર્યું છે. વર્જિન ગેલેક્ટિકે પહેલેથી જ આ પ્રવાસો માટે $250,000માં ટિકિટ વેચવાનું શરૂ કરી દીધું હતું.