ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અને ચાન્સેલર ઋષિ સુનકના ગોલ્ડમેન સેક્ક્ષના એક વખતના બોસ તેમજ બોરીસ જૉન્સન લંડનના મેયર હતા ત્યારે તેમના આર્થિક સલાહકાર તરીકે કામ કરનાર રિચાર્ડ શાર્પને બીબીસીના નવા અધ્યક્ષ બનાવાયા છે.
કન્ઝર્વેટિવ પક્ષના દાતા રિચાર્ડ શાર્પ આવતા મહિને સર ડેવિડ ક્લેમેન્ટીની જગ્યા લેશે અને પાર્ટ-ટાઇમ રોલ માટે વર્ષે £160,000નું વેતન કમાશે. બીબીસીના અધ્યક્ષ તરીકે તેઓ નિગમના ભંડોળના મોડેલની વધતી ચકાસણી હેઠળ લાઇસન્સ ફીના ભાવિ પર વાટાઘાટોનું નેતૃત્વ કરશે.
બીબીસીના વરિષ્ઠ અગ્રણીઓએ રાહત વ્યક્ત કરી આ નિર્ણયને પુરાવા રૂપે અર્થઘટન કરતાં કહ્યું હતું કે ડાઉનિંગ સ્ટ્રીટ બ્રોડકાસ્ટરમાં ક્રાંતિ લાવવા કરતાં સુધારણાની નીતિને અખત્યાર કરી રહી છે. શાર્પને “સાંસ્કૃતિક યોદ્ધા” તરીકે જોવામાં આવે છે. જો કે ડેઇલી ટેલિગ્રાફના ભૂતપૂર્વ એડિટર લોર્ડ મૂર 10 ડાઉનીંગ સ્ટ્રીટની પ્રથમ પસંદગી હતા. સાથીઓએ આગાહી કરી હતી કે તેઓ બીબીસીનો “કઠોર મિત્ર” હશે.
શ્રી શાર્પે (64) કહ્યું હતું કે “બીબીસી બ્રિટીશ સાંસ્કૃતિક જીવનના કેન્દ્રમાં છે અને મને ઇતિહાસના આગલા પ્રકરણમાં તેનું માર્ગદર્શન કરવામાં મદદ કરવાની જે તક મળી તેનાથી ગૌરવ અનુભવું છું.”
કલ્ચરલ સેક્રેટરી ઑલિવર ડાઉડને તેમને બીબીસીને હાલમાં જે જોઈએ તે ખુરશી માટે યોગ્ય ગણાવ્યા હતા. મને વિશ્વાસ છે કે તેઓ નિષ્પક્ષ રૂપે યુકેના તમામ ભાગોની જરૂરિયાતોને પ્રતિબિંબિત કરે છે અને આગળના દાયકાઓમાં બ્રિટીશ રાષ્ટ્રીય જીવનમાં કેન્દ્રિત રહેલી વૈશ્વિક સફળતા તરીકે વિકસિત થશે.”
તેમની પ્રાથમિકતા ડિરેક્ટર જનરલ, ટિમ ડેવી સાથે, આગામી વર્ષથી ટીવી લાઇસન્સની કિંમત નક્કી કરવા માટે મીનીસ્ટર્સ સાથેની વાટાઘાટો પર કામ કરવાની રહેશે. 2027માં રોયલ ચાર્ટરની મુદત પૂરી થયા પછી બીબીસીને કેવી રીતે ભંડોળ પૂરું પાડવામાં આવશે તેના આયોજનનું પણ તેઓ નેતૃત્વ કરશે, જેમાં મિનીસ્ટર્સે સબસ્ક્રિપ્શન મોડેલ અપનાવવા કે ઘરેલું બીલ વસૂલાત અંગે વિચારણા કરી હતી. શાર્પની નિમણૂક માટે ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ સીલેક્ટ કમીટીની મંજૂરી હોવી આવશ્યક છે.
બીબીસી અને કેપીએમજીના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ લોર્ડ હેસ્ટિંગ્સ અને બીબીસી વર્લ્ડવાઇડ અને ઑડિયન સિનેમાનું નેતૃત્વ કરનાર રૂપર્ટ ગેવિનના પણ આ પોસ્ટ માટે ઇન્ટરવ્યુ લેવાયા હતા.
રિચાર્ડ શાર્પ સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ મુજબ એક વખત £150 મિલિયનનું ફોર્ચ્યુન ધરાવતા હતા. તેમણે 1970 ના દાયકાના અંતમાં રાજકારણ, ફિલસૂફી અને અર્થશાસ્ત્રની ઓક્સફર્ડમાંથી ડિગ્રી મેળવી હતી. કેપિટલ માર્કેટ્સના વડા તરીકે ગોલ્ડમેન સેક્ક્ષડ જોડાતા પહેલા જેપી મોર્ગનમાં આઠ વર્ષ ગાળ્યા હતા.
વિશ્વની સૌથી શક્તિશાળી ઇન્વેસ્ટમેન્ટ બેંકમાં 23 વર્ષની કારકિર્દીમાં તેમણે વિવિધ વરિષ્ઠ ભૂમિકાઓ નિભાવી હતી.
2007માં બેંક છોડ્યા બાદ શ્રી શાર્પ, પીઆર કંપની હન્ટ્સવર્થના નોન-એક્ઝીક્યુટીવ ચેરમેન હતા. તેમણે રોયલ એકેડેમીના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.