કોરોના મહામારીના પ્રથમ બે વર્ષમાં વિશ્વમાં ગરીબી અને આર્થિક અસમાનતામાં જંગી વધારો થયો છે, પરંતુ તેની સાથે વિશ્વના ટોચના 10 ધનિકોની સંપત્તિ બમણી થઈ છે. મહામારીથી 160 મિલિયન લોકો ગરીબીની ગર્તામાં ધકેલાયા છે, એમ સોમવાર (17 જાન્યુઆરી)એ એક અહેવાલમાં જણાવાયું હતું.
વિશ્વમાં ગરીબી નાબૂદી માટે સેવારત યુકેની ચેરિટી સંસ્થાઓના સંગઠન ઓક્સફેમે જણાવ્યું હતું કે ધનિકોની સંપત્તિ 700 બિલિયન ડોલરથી વધી 1.5 ટ્રિલિયન ડોલર થઈ હતી. આમ સંપત્તિમાં દૈનિક સરેરાશ 1.3 બિલિયન ડોલરનો વધારો થયો હતો. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ હેઠળ વિશ્વના નેતાઓની વર્ચ્યુઅલ મિની-સમીટ પહેલા આ રીપોર્ટ જારી કરાયો હતો.
ઓક્સફેમે જણાવ્યું હતું કે બિલિયોનેર્સની સંપત્તિમાં મહામારી દરમિયાન અગાઉના 14 વર્ષમાં જેટલો વધારો થયો હતો, તેના કરતાં વધુ વધારો થયો છે.
અસમાનતાને ‘આર્થિક હિંસા’ ગણાવતા સંગઠનને જણાવ્યું હતું કે અસમાનતાને કારણે દરરોજ 21,000 લોકોના મોત થાય છે. મહામારીથી 160 મિલિયન લોકો ગરીબીની ગર્તામાં ધકેલાયા છે. અસમાનતામાં મોટો વધારો થયો હોવાથી અશ્વેત લઘુમતીઓ અને મહિલાઓને સૌથી વધુ નેગેટિવ અસર થઈ છે.
અગાઉ ડિસેમ્બર 2021ના રીપોર્ટમાં જણાવાયું હતું કે મહામારી દરમિયાન વૈશ્વિક સંપત્તિમાં વિશ્વના સૌથી ધનિકો લોકોનો હિસ્સો વિક્રમજનક ગતિએ વધ્યો છે.
ઓક્સફેમે વિશ્વના લોકોના જીવ બચાવવા વેક્સિનના વૈશ્વિક ઉત્પાદન માટે તથા આરોગ્યસંભાળ, પર્યાવરણ અને લિંગ આધારિત હિંસામાં ઘટાડો કરવા માટેનું ભંડોળ એકત્ર કરવા ટેક્સ સુધારા કરવાનો અનુરોધ કર્યો છે.
ઓક્સફેમે જણાવ્યું હતું કે તાજેતરના ઉપલબ્ધ ડેટાને આધારે સંપત્તિની આ ગણતરી કરાઈ છે. તેમાં અમેરિકાના બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ દ્વારા જારી કરવામાં આવેલી 2021ની બિલિયોનેર્સની યાદીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોર્બ્સની વિશ્વના ટોપ-ટેન ધનિકોની યાદીમાં ટેસ્લા અને સ્પેસએક્સના વડા ઇલોન મસ્ક, એમેઝોનના જેફ બેઝોસ, ગૂગલના સ્થાપકો લેરી પેજ અને સર્ગી બ્રિન, ફેસબૂકના માર્ક ઝકરબર્ગ, માઇક્રોસોફ્ટના ભૂતપૂર્વ CEOs બિલ ગેટ્સ અને સ્ટીવ બાલમેર, ઓરેકલના પૂર્વ સીઇઓ લેરી એલિસન, અમેરિકાના જાણીતા રોકાણકાર વોરેન બફેટ અને ફ્રાન્સના લક્ઝરી ગ્રૂપ LVMHના વડા બર્નાર્ડ આર્નોલ્ડનો સમાવેશ થાય છે.