નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બુધવારે (15 જૂન)એ તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ED)એ સતત ત્રીજા દિવસે આઠ કલાક પૂછપરછ કરી હતી. તપાસ એજન્સીએ રાહુલને મીડિયા કંપની અને તેના માલિક ‘યંગ ઇન્ડિયન’ અંગે નિર્ણયો લેવામાં ‘વ્યક્તિગત ભૂમિકા’ બાબતે પશ્નો પૂછ્યા હતા. EDએ ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષને ફરી ૧૭ જૂને પૂછપરછ માટે બોલાવ્યા છે. અગાઉ તેમની ભારત અને વિદેશ ખાતેની સંપત્તિ અંગે પ્રશ્નો પૂછાયા હતા.
રાહુલ ગાંધીની પૂછપરછમાં કોંગ્રેસના નેતાઓ વિવિધ જગ્યાએ વિરોધ પણ કરી રહ્યાં છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સવારે ૧૧.૩૫ કલાકે Z+ સુરક્ષા સાથે EDની ઓફિસે પહોંચ્યા હતા. કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી તેમની સાથે હતા. બપોરે ૧૨ કલાકે રાહુલની પૂછપરછ શરૂ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, EDએ ત્રણેય દિવસની પૂછપરછ અને રાહુલ ગાંધીના નિવેદનનું વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ કર્યું છે. તેના નિવેદન A4 સાઇઝના પેપર પર ટાઇપ કરાયા હતા. જેની રાહુલે ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી અને તેની પર હસ્તાક્ષર કર્યા પછી તપાસ અધિકારીને એ પેપર સુપરત કરાયા હતા.
ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીને AJLની માલિકીની લગભગ રૂ.૮૦૦ કરોડની એસેટ્સ અંગે પ્રશ્નો પુછાઈ રહ્યા છે. તેમને એવું પણ પૂછવામાં આવ્યું હતું કે, યંગ ઇન્ડિયન જેવી બિનનફાકીય કંપની જમીન અને મકાન જેવી એસેટ્સને ભાડે આપવાની કોમર્શિયલ પ્રવૃત્તિ કેવી રીતે કરતી હતી? કોંગ્રેસ પક્ષે એવો દાવો કર્યો હતો કે, આ કેસમાં કોઇ FIR કરાઈ નથી તો પછી રાહુલ અને સોનિયા ગાંધી પર કયા આધારે PMLAનો કેસ ફાઇલ કરવામાં આવ્યો છે?
સરકાર પર રાજકીય કિન્નાખોરીનો આક્ષેપ મૂકતા કોંગ્રેસે જણાવ્યું હતું કે દિલ્હી પોલિસ બળજબરીથી કોંગ્રેસ હેડક્વાર્ટરમાં દાખલ થઈ હતી. તેણે પક્ષના કાર્યકરો અને નેતાઓને બુધવારે માર માર્યો હતો. સતત ત્રીજા દિવસે રાહુલ ગાંધીની ED દ્વારા પૂછપરછને પગલે કોંગ્રેસી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને લીધે સચિન પાયલટ અને બી વી શ્રીનિવાસ સહિતના વરિષ્ઠ નેતાઓની ધરપકડ કરાઈ હતી. કોંગ્રેસના નેતાઓએ સોશિયલ મીડિયા પર વીડિયો ક્લિપ્સ શેર કરી હતી.