મુંબઈમાં સ્પેશ્યિલ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) કોર્ટે અભિનેત્રી રિયા ચક્રવર્તીની જામીન અરજી મંગળવારે ફગાવી દીધી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ નશીલા પદાર્થો અંગેની પૂછપરછ બાદ રિયાની આઠ સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. જલેબી ફિલ્મની આ અભિનેત્રી હવે છ ઓક્ટોબર સુધી જેલમાં રહેશે.
દરમિયાન આ કેસમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેએ જણાવ્યું હતું કે બંને ભાઇ-બહેને બોબ્બે હાઇ કોર્ટમાં એનડીપીએસ કેસમાં જામીન અરજી દાખલ કરી છે. આ અરજીની 23 સપ્ટેમ્બરે સુનાવણી થશે. સુનાવણી બાદ આ અરજીની વધુ વિગત જારી કરવામાં આવશે.
યુવાન અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોતના 11 સપ્તાહ બાદ આઠ સપ્ટેમ્બર રિયાની એનસીબીએ ધરપકડ કરી હતી. બંને આઠ જૂન સુધી લિન-ઇન પાર્ટનર્સ હતા. સુશાંતના મોતના કેસમાં તપાસ દરમિયાન નશીલા પદાર્થનો એંગલ ઊભર્યો હતો. આ પછી નાર્કોટિક્સ કાયદા હેઠળ તેની ધરપકડ થઈ હતી. ડ્રગ્સ કેસમાં દિગ્ગજ સેલિબ્રિટીના નામે સામે આવી રહ્યા છે. એનસીબી અત્યાર સુધી કેસમાં કુલ 18 લોકોની ધરપકડ કરી ચુકી છે અને હવે સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને રકુલપ્રીત જેવી અભિનેત્રીઓના નામ સામે આવ્યા બાદ બોલીવૂડ જગતમાં ખળભળાટ મચી ગયો છે.