કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીનું જાહેરનામું બહાર પડવાના થોડા દિવસો બાકી રહ્યાં છે ત્યારે ગાંધી પરિવારના વફાદારો અને રાજ્ય એકમોએ પાર્ટીનું સુકાન સંભાળી લેવા માટે રાહુલ ગાંધી પરના દબાણમાં વધારો કરવાના પ્રયાસો તેજ બનાવ્યા છે. રાજસ્થાન, છત્તીસગઢ, દિલ્હી અને ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીને પાર્ટી પ્રમુખ બનાવવાની માગણી સાથેની દરખાસ્તને બહાલી આપી છે.
બીજી તરફ રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બનવા માટે તૈયાર ન હોવાના સંકેતો આપી રહ્યાં છે. રાજસ્થાન અને છત્તીસગઢના કોંગ્રેસ એકમોએ રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવાની માગણી સાથેના ઠરાવો પસાર કર્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે આ બંને રાજ્યોમાં કોંગ્રેસનું શાસન છે. ગુજરાત કોંગ્રેસે પણ રાહુલ ગાંધીને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની માગણી કરી છે. ગુજરાત કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક અમદાવાદમાં યોજાઈ હતી. આ બેઠકમાં આ અંગેની દરખાસ્તને તમામ સભ્યોએ ટેકો આપ્યો હતો.
છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ કમિટીએ રાહુલ ગાંધીને કોંગ્રેસના પ્રમુખ બનાવવાની દરખાસ્તને બહાલી આપી હતી. રવિવારે છત્તીસગઢ કોંગ્રેસ રાજ્યના વડાઓ અને એઆઇસીસી ડેલિગેટ્સની નિમણુક માટે નવા કોંગ્રેસ પ્રમુખને સત્તા આપતો ઠરાવ પણ પસાર કરાયો હતો. શનિવારે રાજસ્થાન કોંગ્રેસે પણ આ બંને દરખાસ્તો પસાર કરી હતી.
છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે જણાવ્યું હતું કે રાજ્ય અધ્યક્ષ મોહન મરકામને જવાબદારી સોંપવામાં આવી છે કે આ દરખાસ્ત અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (એઆઇસીસી)ના ચૂંટણી અધિકારી મધુસૂદન મિસ્ત્રીને સુપરત કરે.
રાહુલ પ્રમુખ હોય કે ન હોય તેમનું સ્થાન હંમેશા મહત્ત્વનું રહેશેઃ ચિદમ્બરમ્
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે એઆઇસીસીના વડાના હોદ્દા માટે સર્વસંમતીની તરફેણ કરી છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ હોય કે ન હોય, પરંતુ તેમનું પક્ષમાં હંમેશા અગ્રણી સ્થાન રહેશે, કારણ કે તેઓ તમામ કાર્યકારોના સ્વીકારેલા નેતા છે. ચિદમ્બરમે જણાવ્યું હતું કે અત્યાર સુધી રાહુલ ગાંધી પાર્ટીના સર્વોચ્ચ પદનો ઇનકાર કરી રહ્યાં છે, પરંતુ તેઓ પોતાનું વલણ બદલી શકે છે. પાર્ટી પ્રમુખની ચૂંટણીમાં પારદર્શકતાના મુદ્દે વિવાદનું કોઇ સ્થાન નથી. કેટલાંક નેતાઓએ ઉઠાવેલા મુદ્દા અંગેનું સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના ચેરમેન મધુસૂદન મિસ્ત્રીનું નિવેદન પ્રથમ દિવસે આવ્યું હોત તો આ મુદ્દાનો ઉકેલ આવી ગયો હોત. રાજકીય પાર્ટીઓએ ઇલેક્ટ્રોલ કોલેજની યાદી જાહેર કરતી હોય તેવી કોઇ પરંપરા નથી.