નવનિયુક્ત હેલ્થ સેક્રેટરી સાજીદ જાવિદે સંસદની ફ્રન્ટબેંચ પર પાછા ફર્યા બાદ પહેલા જ દિવસે યુકેને “શક્ય તેટલી વહેલી તકે સામાન્ય સ્થિતિમાં પરત” લેવાની પ્રતિજ્ઞા લઇ યુકેમાં લોકડાઉન પ્રતિબંધોને સરળ બનાવવા અને સામાન્ય સ્થિતિમાં શક્ય તેટલી વહેલી તકે લોકો પાછા ફરે તે માટે બનતું બધુ કરી છૂટવાની પ્રાર્થના કરી હતી.
સાજીદ જાવિદે રવિવારે પત્રકારોને કહ્યું હતું કે, “મને આ પદ સંભાળવાનું જે સન્માન મળ્યું છે તે બદલ આનંદિત છું. મને એ પણ ખબર છે કે તે મોટી જવાબદારી સાથે આવે છે, અને હું આ મહાન દેશના લોકો માટે સારી સેવા પહોંચાડી શકું તેની ખાતરી કરવા હું તમામ પ્રયાસ કરીશ. આપણે હજી રોગચાળામાં ઘેરાયેલા છીએ અને હું જોવા ઇચ્છું છું કે તેનો વહેલી તકે અંત આવે અને આપણે શક્ય તેટલી વહેલી તકે સામાન્ય સ્થિતિમાં પાછા આવી શકીએ. આ જોવાની મારી સૌથી પહેલી અગ્રતા રહેશે.’’
કહેવાય છે કે નવા હેલ્થ સેક્રેટરી જાવિદ લૉકડાઉન પ્રતિબંધોને સરળ કરવા તેમના પૂરોગામી હેનકોક કરતા નોંધપાત્ર રીતે વધુ ઉત્તેજીત છે. જો હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં કોઈ જોરદાર વધારો નહિં થાય તો જાવિદની નિમણૂકથી 19 જુલાઇએ નિયંત્રણો હળવા કરવામાં આવે એવી શક્યતા વધારે છે.
જાવિદે કહ્યું હતું કે “મેટ હેનકોકે ખૂબ જ મહેનત કરી, તેમણે ઘણું બધુ હાંસલ કર્યું અને મને ખાતરી છે કે જાહેર જીવનમાં તેમની પાસે વધુ તક હશે.’’