પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલા ગુજરાતી માછીમારો વાઘા બોર્ડરથી સોમવારે વહેલી સવારે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. વડોદરા ખાતે માછીમારોનું પ્રધાન રાઘવજીભાઇ પટેલ સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું. પાકિસ્તાનની જેલમાં રહેલા ગુજરાતી માછીમારોને છોડાવવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ અને કૃષિ પ્રધાન રાઘવજીભાઇ પટેલ ઉપરાંત કેન્દ્રીય રાજ્યપ્રધાન પુરુષોત્તમભાઇ રૂપાલાએ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્ક સાધ્યો હતો.
ગુજરાત સરકારના આ પ્રયત્નોને પરિણામે વડાપ્રધાન નરેન્દ્રઇ મોદી અને વિદેશપ્રધાન એસ. જયશંકરે પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોને છોડાવવા માટે રાજદ્વારી પ્રયાસો કરતા તેને સફળતા મળી હતી અને પાકિસ્તાનના સત્તાધિશો દ્વારા ૧૯૮ ભારતીય માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મુક્ત કરવામાં આવેલા માછીમારો પૈકી ગુજરાતના ૧૮૪, આંધપ્રદેશના ૩, દિવના ૪, મહારાષ્ટ્રના ૫ અને ઉત્તરપ્રદેશના ૨ નો સમાવેશ થાય છે. ગુજરાતની ૧૮૪ વ્યક્તિમાં ગિર સોમનાથ જિલ્લાના ૧૫૨, દેવભૂમિ દ્વારકાના ૨૨, જામનગર, જુનાગઢ, કચ્છ, વલસાડ અને નવસારીના એક-એક, પોરબંદરના પાંચ માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ મળી હતી. આ માછીમારો અમૃતસરથી ટ્રેન મારફતે વડોદરા આવી પહોંચ્યા હતા. તેમના માટે ટ્રેનમાં ખાસ બે ડબ્બાની વ્યવસ્થા કરવામાં આવી હતી.