ભારતની સુપ્રીમ કોર્ટે આઇપીએલના ભૂતપૂર્વ વડા લલિત મોદી અને તેમના માતા બિના મોદી વચ્ચેના ફેમિલી પ્રોપર્ટી વિવાદના ઉકેલ માટે મધ્યસ્થી તરીકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ આર વી રવીન્દ્રનની સોમવાર (1 ઓગસ્ટ)એ નિમણુક કરી હતી.
સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે બંને પક્ષોના વકીલો સંમત થયા છે કે તેઓ મધ્યસ્થી મારફત આ વિવાદના ઉકેલ માટે કોઇ પૂર્વશરત વગર અને ખુલ્લા મને કામગીરી કરશે. ચીફ જસ્ટિસ એન વી રમનાના વડપણ હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે આ વિવાદમાં મધ્યસ્થી અને ઉકેલ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત જજ જસ્ટિસ આર રવિન્દ્રનની નિમણુક કરીએ છીએ.
સુપ્રીમ કોર્ટમાં ફરી એક વખત આ મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. સંપત્તિ વિવાદને લગતા આ કેસમાં લલિત મોદી તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે કોર્ટમાં હાજર રહ્યા હતા. જ્યારે તેમના માતા તથા બહેન તરફથી કપિલ સિબ્બલે દલીલો કરી હતી.
લલિત મોદી વતી વકીલ હરીશ સાલ્વેએ કોર્ટને જણાવ્યું કે, આ કેસમાં 2 વર્ષથી કોઈ બેઠક નથી થઈ. આજે બદલાયેલી સ્થિતિમાં લલિત મોદી અને તેમના ભાઈ સમીર મોદી એક તરફ છે, જ્યારે બીજી તરફ તેમના માતા અને બહેન છે. આ કેસને 3 ઓગષ્ટ માટે લિસ્ટ કરી દેવામાં આવ્યો છે.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે સવાલ કર્યો હતો કે, શું આ કેસમાં તેઓ સમાધાન કરવા તૈયાર છે. અગાઉની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, અગાઉ મધ્યસ્થી નિયુક્ત કરાયા હતા, પરંતુ નિર્ણય નહોતો લઈ શકાયો. બંને પક્ષ નિષ્પક્ષ હોવા જોઈએ, બંને પક્ષોએ સમાધાન સાથે આવવું જોઈએ.