શુક્રવારે, યુકેએ દક્ષિણ આફ્રિકા, નામિબિયા, ઝિમ્બાબ્વે, બોત્સ્વાના, લેસોથો અને એસ્વાટિનીને અને શનિવારે અંગોલા, મોઝામ્બિક, માલાવી અને ઝામ્બિયાને રેડ લીસ્ટમાં ઉમેર્યા હતા. તો બીજી તરફ વિશ્વભરના દેશોએ ઓમિક્રોન વાઇરસના ફેલાવાને રોકવાના પ્રયાસમાં દક્ષિણ આફ્રિકન દેશો પર મુસાફરી પ્રતિબંધો અને અન્ય પ્રતિબંધો મૂક્યા છે. અમેરિકાએ તા. 29ને સોમવારથી દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ આફ્રિકા ક્ષેત્રના અન્ય સાત દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. યુકેની સાથે યુરોપીયન દેશોએ પણ દક્ષિણ આફ્રિકા અને પડોશી દેશો નામીબિયા, ઝિમ્બાબ્વે અને બોત્સ્વાના તેમજ લેસોથો અને એસ્વાટિની (અગાઉનું સ્વાઝીલેન્ડ)ની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. અન્ય દેશોમાં મોરેશિયસ, ઈઝરાયેલ, શ્રીલંકા અને નેધરલેન્ડનો સમાવેશ થાય છે. ભારત સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સ્વાનાથી આવતા અથવા પસાર થતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું સખત સ્ક્રીનીંગ અને પરીક્ષણ કરવા જણાવ્યું હતું.