ભારતના જાણીતા રેસલર ધ ગ્રેટ ખલીએ હવે રાજકારણની દુનિયામાં એન્ટ્રી મારી છે.પંજાબ વિધાનસભા ચૂંટણીના વાગી રહેલા પડઘમ વચ્ચે ગ્રેટ ખલી ગુરુવારે ભાજપમાં સામેલ થઈ ગયા છે. દિલ્હી ખાતે ભાજપ કાર્યાલયમાં ખલીએ કેન્દ્રના પ્રધાન જિતેન્દ્રસિંહ અને સાંસદ તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
તેમનુ અસલી નામ દિલિપ સિંહ રાણા છે.ભાજપ જોઈન કર્યા બાદ ખલીએ કહ્યું હતું કે, પૈસા કમાવા હોત તો હું અમેરિકામાં જ રોકાઈ ગયો હોત પણ ભારત સાથે પ્રેમ છે એટલે હું પાછો ફર્યો છું.ખલીએ કહ્યુ હતુ કે, વડાપ્રધાન મોદીના સ્વરુપમાં દેશને યોગ્ય વડાપ્રધાન મળ્યા છે.મને પણ લાગ્યુ હતુ કે, મારે દેશને આગળ લઈ જવામાં યોગદાન આપવુ જોઈએ. હું મોદી અને ભાજપની વિચારધારાથી પ્રભાવિત છું.
પંજાબ ચૂંટણીને જોતા ખલી ભાજપ માટે મોટો ચહેરો બની શકે છે.ડબલ્યુડબલ્યુઈમાં દિગ્ગજ રેસલરોને પછાડનાર ખલી આ પહેલા આપ માટે પ્રચાર કરી ચુકયા છે.તેઓ કેટલીક હોલીવૂડ ફિલ્મોમાં પણ જોડાયા છે. ગ્રેટ ખલી તરીકે મશહૂર દિલિપ સિંહ રાણા મુળ હિમાચલ પ્રદેશના છે પરંતુ તેઓ હાલમાં પંજાબના જલંધરમાં કોન્ટિનેન્ટલ રેસલિંગ એકેડમી ચલાવી રહ્યાં છે. 7 ફૂટ 1 ઈંચ ઊંચા ધ ગ્રેટ ખલીએ WWE રેસલિંગમાં તમામ મોટી ચેમ્પિયન પોતાને નામે કરી લીધી હતી.