લોકસભાની ચૂંટણી પહેલા બિહારની મુખ્યપ્રધાન નીતિશકુમાર વિપક્ષને એકજૂથ કરવાના પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે કોંગ્રેસે રવિવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ નીતીશ કુમારના પ્રયાસોનું સન્માન કરે છે, પરંતુ તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવ અને દિલ્હીના તેમના સમકક્ષ અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓ પર હજુ પણ વિશ્વાસ કરી શકતી નથી.
કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું કે કેજરીવાલ અને કેસીઆર જેવા નેતાઓએ છેલ્લા આઠ-નવ વર્ષમાં ભાજપને મદદ કરી છે. કોંગ્રેસના સત્તાવાર પ્રવક્તા તરીકે જવાબદારીની સંપૂર્ણ ભાવના સાથે હું ભારપૂર્વક કહું છું કે અમે હજુ પણ કેજરીવાલ અને કેસીઆર પર વિશ્વાસ કરી શકીએ તેમ નથી. તેઓ શનિવારે બિહાર પ્રદેશ કોંગ્રેસ કમિટી (BPCC)ના મુખ્યાલય સદાકત આશ્રમ ખાતે પત્રકારોને સંબંધી રહ્યાં હતા.
તેમણે જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યપ્રધાને ત્રણ વિવાદાસ્પદ કૃષિ ખરડાને સમર્થન આપ્યું હતું. આમ આદમી પાર્ટીના સ્થાપકે ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા માટે UPA અધ્યક્ષ સોનિયા ગાંધીની ધરપકડ કરવાની પણ માગણી કરી હતી. તેમ છતાં કોને સાથ લેવા તે નક્કી કરવાની બાબત અમે નીતિશ બાબુની વિવેકબુદ્ધિ પર છોડીએ છીએ. તેઓ કોને સાથે લેવા તે નક્કી કરી શકે છે. શર્માએ દાવો કર્યો હતો કે એનડીએ ગઠબંધન વેરવિખેર થઈ રહ્યું છે, કારણ કે ભાજપના ઘણા પૂર્વ સાથી પક્ષો અલગ થઈ રહ્યાં છે અથવા પીઠમાં છરો ભોંકવાનો આક્ષેપ કરી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું યુપીએ અકબંધ છે અને અને ગઠબંધનમાં કેટલાંક નવા પક્ષોનો ઉમેરો કર્યો છે.