પ્રધાનસ્તરીય સંદેશાવ્યવહાર માટે ખાનગી ઇ-મેઇલનો ઉપયોગ કરવાની “ભૂલ” કર્યા પછી ભારતીય મૂળના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને પોતાના હોદ્દા પર બુધવારે રાજીનામું આપ્યું હતું. ખરાબ આર્થિક નીતિઓને મુદ્દે ચારેતરફથી ઘેરાયેલા વડાપ્રધાન લીઝ ટ્રસ માટે આ રાજીનામું વધુ એક ફટકા સમાન છે. ટ્રસ હાલમાં કન્ઝર્વેટિવ સાંસદોના વ્યાપક અસંતોષનો પણ સામનો કરી કરી રહ્યાં છે.
બ્રેવરમેનને માત્ર 43 દિવસ પહેલા જ હોમ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે અગાઉ ટ્રસ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને તે પછી ટ્વિટર હેન્ડલ પર રાજીનામાનો પત્ર પોસ્ટ કર્યો હતો. 42 વર્ષીય બેરિસ્ટરે જણાવ્યું હતું કે “મેં ભૂલ કરી છે; હું જવાબદારી સ્વીકારું છું; હું રાજીનામું આપું છું,”
બ્રેવરમેને કહ્યું કે તેમને ” અંગત ઈ-મેલમાંથી એક વિશ્વાસપાત્ર સંસદીય સાથીદારને સત્તાવાર ડોક્યુમેન્ટ મોકલ્યો હતો… તમે જાણો છો, આ દસ્તાવેજ માઇગ્રેશન અંગેનું એક ડ્રાફ્ટ લેખિત પ્રધાનસ્તરીય સ્ટેટમેન્ટ હતું, જે ટૂંક સમયમાં જાહેર થવાનું હતું.”
તેમણે જણાવ્યું હતું કે “મારા માટે જવું યોગ્ય છે. મને મારી ભૂલ સમજાઈ કે તરત મેં સત્તાવાર માધ્યમ પર ઝડપથી આની જાણ કરી હતી અને કેબિનેટ સેક્રેટરીને માહિતગાર કર્યા હતા.”
બીબીસીના જણાવ્યા અનુસાર ટોરી લીડરશીપની હરીફાઈ દરમિયાન ભારતીય મૂળના ઋષિ સુનકના મુખ્ય સમર્થક ગ્રાન્ટ શેપ્સ નવા હોમ સેક્રેટરી બને તેવી શક્યતા છે.
ટ્રસ વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે ટ્રાન્સપોર્ટ સેક્રેટરી તરીકે શેપ્સને બરતરફ કર્યા હતા અને તેમની જગ્યાએ એની-મેરી ટ્રેવેલિયનની નિમણુક કરી હતી. બ્રેવરમેનનું રાજીનામું સ્વીકારતા ટૂંકા પત્રમાં, વડા પ્રધાન ટ્રસએ જણાવ્યું હતું કે, “તે મહત્વપૂર્ણ છે કે પ્રધાન કોડનું સમર્થન કરવામાં આવે અને કેબિનેટની ગોપનીયતાનું સન્માન કરવામાં આવે.”
રાજીનામાના પત્રમાં બ્રેવરમેને સરકારની દિશા વિશે “ચિંતા” વ્યક્ત કરી છે અને સરકાર ચૂંટણીઢંઢેરાનું સન્માન કરે છે કે નહીં તે અંગે સવાલ ઉઠાવ્યા છે. ટ્રસને વધુ ફટકો પડે તેવી ટિપ્પણીમાંમાં તેમણએ નોંધ્યું કે “આપણે અસ્થિરતાના સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ… મને આ સરકારની દિશા વિશે ચિંતા છે”
બ્રેવરમેન જણાવ્યું હતું કે “અમે અમારા મતદારોને આપેલા મુખ્ય વચનોને તોડ્યા છે એટલું જ નહીં, પરંતુ માઇગ્રેશનની સંખ્યામાં એકંદર ઘટાડો અને ગેરકાયદેસર માઇગ્રેશન, ખાસ કરીને નાની બોટ ખતરનાક ક્રોસિંગને રોકવા જેવા મેનિફેસ્ટોની પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવા માટે આ સરકારની પ્રતિબદ્ધતા અંગે મને ગંભીર ચિંતા છે.”
ભારત સાથે મુક્ત વેપાર સમજૂતની ચાલી રહેલી મંત્રણામાં “ખુલ્લી સરહદો”ના અભિગમ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરીને વિવાદ ઊભો કર્યાના થોડા દિવસોમાં બ્રેવરમેને આ રાજીનામું આપ્યું છે.
મંગળવારે સાંજે યુકે સ્થિત ઈન્ડિયા ગ્લોબલ ફોરમ (IGF) દ્વારા આયોજિત દિવાળીના કાર્યક્રમને સંબોધતા બ્રેવરમેને જણાવ્યું હતું કે યુકે બંને દેશોના અર્થતંત્રોને વેગ આપવા માટે ભારત સાથે વેપાર સોદો કરવા માટે “આતુર” છે અને બ્રેક્ઝિટનો અર્થ એ છે કે બ્રિટન હવે વેપાર કે વીઝા અંગે યુરોપકેન્દ્રીત માનસિકતા ધરાવતું નથી.
ભારતીયીનો સૌથી મોટા વિઝા ઓવરસ્ટેયર્સ ગણાવતી તાજેતરની વિવાદાસ્પદ ટિપ્પણીઓનો બચાવ કરવાના દેખીતા પ્રયાસમાં બ્રેવરમેને કહ્યું હતું કે યુકેના ગામડાઓ, નગરો અને શહેરો ભારતમાંથી ઇમિગ્રેશન દ્વારા ખૂબ સમૃદ્ધ થયા છે. તેમણે જણાવ્યું હતું કે “ભારત મારા હૃદયમાં છે, તે મારા આત્મામાં છે, તે મારા લોહીમાં છે. મને ખૂબ ગર્વ છે કે મારા પિતાના મૂળ અને તેમના પરિવારનું ઘર ગોવામાં છે અને મારી માતા તેમના પૂર્વજોનું મૂળ મદ્રાસમાં શોધી શકે છે,”