હરિયાણામાં ખાનગી નોકરીઓમાં સ્થાનિક લોકોને 75 ટકા અનામત આપવાનો કાયદો રવિવાર 16 જાન્યુઆરીથી અમલી બન્યો છે. હરિયાણામાં ભાજપના સાથી પક્ષ જનનાયક જનતા પાર્ટીના વડા અને રાજયના નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું હતું કે યુવાનો માટે આજે ઐતિહાસિક દિવસ છે, કારણ કે હવે ખાનગી કંપનીઓ, સંસ્થાઓ, ટ્રસ્ટ, સોસાયટી અને ઇન્ડસ્ટ્રીમાં હરિયાણાના યુવાનોને પ્રાથમિકતા મળશે. રાજ્યના લોકો માટે 75 ટકા અનામતનો અમલ કરવા શ્રમ મંત્રાલયે એક હેલ્પલાઇન નંબર સાથે એક પોર્ટલ બનાવ્યું છે. કંપનીઓએ તેમની ખાલી જગ્યાઓ અંગે આ પોર્ટલમાં માહિતી આપવાની રહેશે. જોકે માસિક કુલ 30,000 સુધીના પગાર સાથેની ખાનગી નોકરીઓમાં રાજયના લોકોને 75 ટકા અનામતનો લાભ મળશે. આ કાયદો 10 વર્ષ માટે અમલી રહેશે.