ચીન સહિત વિવિધ દેશોમાં કોવિડના નવા વેરિયન્ટથી ચેપનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે બ્રિટનના આરોગ્ય વિભાગના વડાઓએ લોકોને ચહેરા પર આવરણ એટલે કે માસ્ક પહેરવા વિનંતી કરી રોગચાળાના વાવરમાં અસ્વસ્થ વયસ્કોને, તાવ કે ફ્લુના લક્ષણો જેવી બીમારી અનુભવતા યુવાનો અને બાળકો સહિત સૌ કોઇને ‘ઘરે જ રહેવા’ અપીલ કરી છે. ડોક્ટરોએ દાવો કર્યો છે કે એનએચએસ કોવિડ રોગચાળો ટોચ પર હતો તેના કરતા અત્યારે વધુ દબાણ હેઠળ છે. તબીબ માને છે કે લાખો વિદ્યાર્થીઓ રજાઓ પછી આ અઠવાડિયે શાળાઓમાં પાછા ફરી રહ્યા છે ત્યારે આ પગલાં કોવિડ, ફ્લૂ અને સ્કાર્લેટ ફીવરના ફેલાવાને ઘટાડવામાં મદદ કરશે જેનો ચેપ આગામી અઠવાડિયાઓમાં વધવાની શક્યતાઓ છે.
NHSમાં કટોકટીને કારણે સાર-સંભાળ માટે વિલંબ થઇ રહ્યો છે ત્યારે દર અઠવાડિયે 500 દર્દીઓ મરી રહ્યા છે. ટોચના ડોકટરોએ કહ્યું છે કે પરિસ્થિતિ કોવિડ રોગચાળાના સૌથી અંધકારમય દિવસો કરતાં ‘ઘણી ખરાબ’ છે. ચેતવણી અપાઇ છે કે NHS ‘છરીની ધાર’ પર છે અને A&E ઇમરજન્સીના કારણે તેના અત્યાર સુધીના સૌથી ખરાબ શિયાળાનો સામનો કરી રહ્યું છે.
UKHSAના ચિફ મેડિકલ એડવાઇઝર પ્રોફેસર સુસાન હોપકિન્સે જણાવ્યું હતું કે ‘’પુખ્ત વયના લોકોએ ‘અસ્વસ્થ હોય ત્યારે ઘરે રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. જેમણે બહાર જવું હોય તેમણે ચહેરાને કવર કરવો જોઈએ. બીમાર લોકોએ જરૂરી ન હોય તો હોસ્પિટલ, જીપી કે ફાર્મસીમાં જવું ન જોઇએ તથા સંવેદનશીલ લોકોથી દૂર રહેવું જોઇએ. શાળાઓ, નર્સરી અને અન્ય સેટિંગ્સમાં ચેપનો ફેલાવો શક્ય તેટલો ઓછો કરવો મહત્વપૂર્ણ છે. બાળકોને સાબુ અને ગરમ પાણીથી હાથ ધોવાનું શીખવવું જરૂરી છે તથા તેઓ ઉધરસ અને છીંક ખાતી વખતે ટીસ્યું નાક-મોઢા પર રાખે તે જરૂરી છે. તમામ પ્રાથમિક શાળાના, કેટલાક માધ્યમિક શાળાના અને 31 ઓગસ્ટ 2022ના રોજ બે અને ત્રણ વર્ષની વયના બાળકોને ફ્લૂની રસી મળે તે જરૂરી છે. તમારા બાળકને રસી અપાવવાથી તેઓ અને તેમને સંપર્કમાં આવતા અન્ય લોકોનું રક્ષણ થાય છે.’