ભારતના 74મા ગણતંત્ર દિવસની 26 જાન્યુઆરીએ રાષ્ટ્રભરમાં રંગેચંગે ઉજવણી થઇ હતી. દેશની સ્વતંત્રતા કાજે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર સપૂતોને ”રાષ્ટ્રીય સમર સ્મારક” ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગણમાન્ય નેતાગણ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કર્યા પછી પ્રેસિડેન્ટ દ્રોપદી મૂર્મુના સ્વાગત સાથે ગણતંત્ર દિવસની ઉજવણીનો “કર્તવ્ય પથ” ખાતેથી પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમમાં ઇજિપ્તના રાષ્ટ્રપ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ-સિસી મુખ્ય અતિથિ પદે હાજર રહ્યા હતા. રાષ્ટ્ર ગાન બાદ સેનામાં અપ્રતિમ શૌર્ય દાખવનારા વિવિધ મેડલ જીતનારા સૈનિકોએ સલામી મંચને સલામી આપ્યા બાદ, ક્રમશઃ દેશની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક ઝાંખીઓનું આ પરેડમાં પ્રદર્શન થયું હતું. અત્રે નોંધનીય છે કે, ઇજિપ્તની સૈન્ય ટુકડીએ પણ આ પરેડમાં ભાગ લીધો હતો.
આજરોજ યોજાયેલી પરેડમાં ભારતીય સેનાની વિવિધ રેજીમેન્ટ તથા અત્યાધુનિક શસ્ત્ર-સરંજામનું નિદર્શન થવાની સાથે દેશની વિવિધતામાં એકતાને દર્શાવતી અલગ-અલગ રાજ્યોની 17 ઝાંખીઓ સહીત કુલ 23 ઝાંખીઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સાંસ્કૃતિક ઝાંખીઓના પ્રદર્શન બાદ સેનાના જાંબાઝ સિપાઈઓ દ્વારા બુલેટ પર દર્શાવેલ વિવિધ કરતબો અને વાયુસેનાના ફાઈટર વિમાનોએ દર્શાવેલા જીવ સટોસટના એર-શૉથી ઉપસ્થિત સૌ રોમાંચિત થઇ ઉઠ્યા હતા. આ કાર્યક્રમના અંતે નારીશક્તિનું નિદર્શન કરતુ સંગીતમય નૃત્ય કથાનક અત્યંત પ્રભાવક રહી હતી.
બર્ફીલા પવનો અને ગાઢ ધુમ્મસ છતાં આજના રાષ્ટ્રીય દિવસે દેશ પ્રત્યેના આદરભાવને વ્યક્ત કરવામાં દેશવાસીઓનો જુસ્સો જરાય ઓછો વર્તાયો નહોતો. વહેલી સવારથી જ દિલ્હીના ”કર્તવ્ય પથ” ઉપર પહોંચવા માટે લોકોની લાંબી કતારો લાગી ગઈ હતી.