ન્યૂયોર્કમાં યુએન હેડક્વાર્ટરની નોર્થ લોન ખાતે બુધવાર 21 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોજાયેલા યોગ કાર્યક્રમમાં 135 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ગિનીસ વર્લ્ડ રેકોર્ડના અધિકારી માઈકલ એમ્પ્રીચે જણાવ્યું હતું કે આ એક વર્લ્ડ રેકોર્ડ છે. અગાઉ ક્યારેય આટલા બધા દેશોના લોકોએ ક્યારેય એકસાથે યોગ કર્યો નથી.
યુએન બિલ્ડિંગમાં યોગ કાર્યક્રમમાં મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે યોગ ભારતની પ્રાચીન પરંપરા છે. યોગ કોપીરાઈટ, પેટન્ટ, રોયલ્ટીથી મુક્ત છે, તે જીવનનો એક માર્ગ છે… યોગ લવચીક છે, તમે એકલા, જૂથ, શિક્ષક અથવા સ્વ-શિક્ષિત થઈને શીખી શકો છો… તે એકરૂપ કરે છે, તે ખરેખર વૈશ્વિક છે. તે તમામ જાતિઓ, આસ્થા, સંસ્કૃતિઓ માટે છે.
આ કાર્યક્રમમાં વિજ્ઞાન, કલા અને મનોરંજન ક્ષેત્રના દિગ્ગજો, રાજદ્વારીઓ, શિક્ષણવિદો, ટેકનોક્રેટ્સ અને રાજકીય નેતાઓ હાજરી આપી હતી. તેમાં ન્યૂયોર્કના મેયર, ત્રણ વખતના ગ્રેમી વિજેતા રિકી કેજ, ગાયિકા ફાલ્ગુની શાહ, અભિનેતા રિચાર્ડ ગેર અને પ્રિયંકા ચોપરા અને યુએનના વિવિધ અધિકારીઓ સામેલ હતાં.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના પ્રમુખ કસાબા કોરોસી, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રૂચિરા કંબોજ અને ન્યુયોર્ક શહેરના મેયર એરિક એડમ્સ સાથે 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી અને અને સંબોધન કર્યું હતું. તેમણે નરેન્દ્ર મોદી યુએન હેડક્વાર્ટર ખાતે વિશેષ યોગ સત્રનું નેતૃત્વ કરવા પહોંચ્યા હતા ત્યારે તેમનું સ્વાગત કર્યું હતું. કંબોજે જણાવ્યું હતું કે “આજની ઉજવણી ખરેખર ખૂબ જ ખાસ છે કારણ કે PM મોદી અહીં યોગ કરવામાં આપણું નેતૃત્વ કરશે. તેમના નેતૃત્વ હેઠળ જ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો.