લદ્દાખના દેપસાંગ વિસ્તારમાં ચીને તેના સૈનિકો માટે આશ્રયસ્થાનો બનાવ્યા હોવાના મીડિયા અહેવાલોને ટાંકીને કોંગ્રેસે શનિવારે આ મુદ્દા પર સરકારની ચુપકીદી અંગે સવાલ ઉઠાવ્યા હતા અને પૂછ્યું કે એપ્રિલ 2020 પહેલાની યથાસ્થિતિ સુનિશ્ચિત કરવા માટે સરકારે કયા પગલાં લીધા છે.
કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેટે ગયા મહિને ઈન્ડોનેશિયામાં જી-20 સમિટ દરમિયાન ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે હાથ મિલાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના આક્ષેપો પર સરકાર તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી. કોંગ્રેસ ચીન સાથેના સરહદી મુદ્દાઓ અંગે સરકાર પર સતત પ્રહારો કરી રહી છે.
દિલ્હીમાં AICC મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સમાં શ્રીનેટે જણાવ્યું હતું કે “15 નવેમ્બરે મોદી ચીનના વડા શી જિનપિંગને મળ્યા હતા. મોદી ગુસ્સામાં લાલ આંખો બતાવતા ન હતા, તેમણે હકીકતમાં લાલ શર્ટ પહેર્યો હતો અને મને એ વાતનું આશ્ચર્ય છે કે આપણા 20 બહાદુરો સૈનિકોના બલિદાન પછી મોદીએ જિનપિંગ સાથે શું વાત કરી હશે.”
મીડિયા અહેવાલોને ટાંકી તેમણે આક્ષેપ કર્યો હતો કે દેપસાંગ વિસ્તારમાં ચીને તાપમાન-નિયંત્રિત “આશ્રયસ્થાનો” બનાવ્યા છે, જેનાથી સૈનિકોને કાયમી ધોરણે રાખી શકાય છે. વાસ્તવિક અંકુશરકેખાના આપણા વિસ્તારમાં 15-18 કિમી અંદર ચીને આશરે 200 આશ્રયસ્થાનો બનાવ્યા છે. તેમણે સવાલ કર્યો હતો કે વડાપ્રધાન મોદી, તેમની સરકાર અથવા વિદેશ મંત્રાલય તરફથી શા માટે એક પણ નિવેદન આવ્યું નથી.
તેમણે જણાવ્યું હતું કે દેપસાંગ અને ડેમચોક આપણા માટે અત્યંત વ્યૂહાત્મક સ્થળો છે. આ ઉપરાંત, ચીન દેપસાંગના મોટા ભાગના વિસ્તાર પર કબજો જમાવવાનું ચાલુ રાખ્યું છે. કથિત સેટેલાઇટ ઇમેજના ફોટોગ્રાફ દર્શાવીને તેમણે જણાવ્યું હતું કે ચીન જમીન અને દરિયાઇ એમ બંને જગ્યાએ કિલ્લેબંધી કરી રહ્યું છે. હકીકતમાં પેંગોંગ સરોવર વિસ્તારની આસપાસ ચીની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)નું ડિવિઝન હેડક્વાર્ટર, એક ગેરિસન, આર્ટિલરી અને એન્ટી એરક્રાફ્ટ ગન શેલ્ટર બનાવ્યું છે. મોદીની ચુપકીદીથી ચીનની હિંમત વધી રહી છે.