અમેરિકામાંથી ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે શનિવારથી સાત નોન શિડયુલ્ડ સ્પેશિયલ ફલાઇટ શરૃ થશે તેમ ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય લોકડાઉનને કારણે અનેક ભારતીયો અમેરિકા સહિતના અનેક દેશોમાં ફસાયેલા છે. દૂતાવાસના જણાવ્યા અનુસાર હાલમાં સાત ફલાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વદેશ પરત આવવા માગતા ભારતીયોની સંખ્યા વધારે હોવાથી કોમ્પ્યુટરાઝ્ડ ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવશે. પસંદ પામેલા લોકોને જ ભારત પરત લાવવામાં આવશે.
આ અગાઉ ભારત સરકારે સોમવારે જાહેરાત કરી હતી કે સાત મેથી વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને તબક્કાવાર પરત લાવશે. આ માટે સાત મેથી ૧૩ મે દરમિયાન એર ઇન્ડિયાની ૬૪ ફલાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ દેશોમાંથી કુલ ૧૫,૦૦૦ ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવશે. વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટેના અભિયાનને વંદે ભારત મિશન નામ આપવામાં આવ્યું છે. અમેરિકાથી ભારત પરત લાવવા માટે ઇકોનોમી કલાસની ટિકિટ ૧૩૬૨ ડોલર, બિઝનેસ કલાસની ટિકિટ ૩૭૨૨ ડોલર અને ફર્સ્ટ કલાસ પેસેન્જરની ટિકિટ ૫૬૧૨ ડોલર રાખવામાં આવી છે.
ભારતીય દૂતાવાસે આપેલી માહિતી મુજબ ૯ મેના રોજ પ્રથમ ફલાઇટ સાન ફ્રાન્સિસ્કોથી મુંબઇ અને હૈદરાબાદ આવશે. ૧૩ મેના રોજ સાન ફ્રાન્સિસ્કોની બીજી ફલાઇટ નવી દિલ્હી અને બેંગાલુરુ આવશે. ૧૦ મેના રોજ ન્યૂજર્સીમાંથી એક ફલાઇટ મુંબઇ અને અમદાવાદ આવશે. ૧૪ મેના રોજ ન્યૂજર્સીથી ફલાઇટ દિલ્હી અને હૈદરાબાદ આવશે. આવી જ રીતે ૧૧ મેના રોજ શિકાગોમાંથી ફલાઇટ મુંબઇ અને ચેન્નાઇ આવશે. ૧૫ મેના રોજ શિકાગોથી ફલાઇટ દિલ્હી અને હૈદરાબાદ આવશે. ૧૨ મેના રોજ એક ફલાઇટ વોેશિંગ્ટનથી દિલ્હી અને હૈદરાબાદ આવશે.