‘ચિઠ્ઠી આયે હૈ’ અને ‘ઔર આહિસ્તા કિજીયે બાતેં’ માટે પ્રખ્યાત બનેલા ગઝલ ગાયક પંકજ ઉધાસનું લાંબી માંદગી પછી સોમવાર, 26 ફેબ્રુઆરીએ મુંબઈમાં અવસાન થયું હતું. તેઓ 72 વર્ષના હતાં. ઉધાસે સાથી સંગીતકારો જગજીત સિંહ અને તલત અઝીઝ સાથે મળીને સમગ્ર ભારતમાં ગઝલ સંગીતને લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેમની પુત્રી નાયાબે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે ખૂબ જ ભારે હૃદય સાથે તમને જણાવીએ છીએ કે 26મી ફેબ્રુઆરી 2024ના રોજ લાંબી માંદગીને કારણે પદ્મશ્રી પંકજ ઉધાસનું દુઃખદ અવસાન થયું હતું.
પંકજ ઉધાસે બોલીવુડમાં ઘણા યાદગાર ગીતો અને ગઝલો ગાઈ હતી અને પોતાના સુમધુર અવાજથી દેશ-વિદેશમાં લાખો લોકોને પોતાના ચાહક બનાવ્યા હતાં. 1980માં તેમણે તેમનું પ્રથમ ગઝલ આલ્બમ, “આહત” બહાર પાડ્યું હતું, જે એક સફળ કારકિર્દીની શરૂઆતનો સંકેત હતું.
પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951માં ગુજરાતના જેતપુરમાં કેશુભાઈ ઉધાસ અને જીતુબેન ઉધાસના ઘરે થયો હતો. તેઓ ત્રણ ભાઈઓ હતા અને ત્રણેય સંગીતની દુનિયા સાથે જોડાયેલા રહ્યાં હતાં. તેમના ભાઈ મનહર ઉધાસ પણ જાણીતા ગઝલ ગાયક છે. આ ઉપરાંત તેમના સૌથી મોટા ભાઈ નિર્મલ ઉધાસ પણ ગઝલ ગાયક હતાં. તેમનું પ્રારંભિક શિક્ષણ ભાવનગરમાં થયું હતું અને બાદમાં તેમનો પરિવાર મુંબઈ ખાતે આવી ગયો હતો.
તેમણે ઘણી યાદગાર ગઝલો અને ગીતો ગાયા છે. પરંતુ 1996માં આવેલી ફિલ્મ ‘નામ’માં ગાયેલું ‘ચિઠ્ઠી આયી હૈ’ ગીત દેશ વિદેશમાં લોકપ્રિય બન્યું હતું. 1988માં આવેલી ફિલ્મ ‘એક હી મકસદ’નું ‘ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસે બાલ’ ગીત પણ ઘણું જ લોકપ્રિય રહ્યું હતું. પંકજ ઉધાસને 2006માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
પંકજ ઉધાસના નિધન પર બોલિવૂડની હસ્તીઓ દુઃખ વ્યક્ત કર્યું હતું. સંગીતકાર શંકર મહાદેવને જણાવ્યું હતું કે પંકજની વિદાય સંગીત જગત માટે મોટી ખોટ છે. જે ક્યારેય ભરપાઈ થઈ શકે તેમ નથી. પંકજ ઉધાસના નિધન પર સોનુ નિગમે પણ ઈમોશનલ પોસ્ટ લખી હતી.