Fresh efforts to unite the opposition ahead of the Lok Sabha elections
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, પાર્ટીના નેતા રાહુલ ગાંધી, જનતા દળ-યુનાઈટેડ (JDU) ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલન સિંહ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરે છે. (ANI Photo)

લોકસભા ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા માટે વિપક્ષી એકતા બનાવવાના વધુ એક પ્રયાસના ભાગરૂપે કોંગ્રેસ, જેડી(યુ) અને આરજેડીના ટોચના નેતાઓએ બુધવારે નવી દિલ્હીમાં બેઠક યોજી હતી. બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર તેમના ડેપ્યુટી તેજસ્વી યાદવ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે અને રાહુલ ગાંધીને મળ્યા હતા. રાહુલ ગાંધીએ આ પહેલને “ઐતિહાસિક” ગણાવી દીધી હતી.

નીતિશકુમારે જણાવ્યું હતું કે ભાજપ વિરુદ્ધ દેશમાં વધુને વધુ પક્ષોને એકજૂથ કરવા માટે તેઓ તમામ પ્રયાસો કરશે. આ બેઠકનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે કેટલાક પ્રાદેશિક સંગઠનો વચ્ચે મતભેદો હોવા છતાં વિપક્ષી એકતા બનાવવા માટેનું આ પહેલું મોટું પગલું છે. વિપક્ષી એકતાના પ્રયાસોને આગળ વધારવા માટે નેતાઓએ ભાર મૂક્યો હતો કે તેઓએ તેમના મતભેદોને છોડીને ભાજપને હરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું અને નેતૃત્વનો મુદ્દોનો ચૂંટણી પછી નિર્ણય કરવો.

આ બેઠક પછી નેતાઓએ એક સંયુક્ત પત્રકાર પરિષદ પણ યોજી હતી, પરંતુ નેતૃત્વના મુદ્દાના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું. ખડગેએ પત્રકારોને જણાવ્યું હતું કે વિપક્ષો સાથે મળીને બંધારણ અને લોકશાહીનું રક્ષણ કરશે અને એકજૂથ થઈ દેશને નવી દિશા આપશે. વિપક્ષ આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી સહિત તમામ આગામી ચૂંટણીઓ લડવા માટે એકજૂથ થશે.

JDU નેતાએ હિન્દીમાં ટ્વિટ કરીને કહ્યું હતું કે, નીતીશજી 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષી એકતાના શિલ્પી સાબિત થશે. કેટલા વિપક્ષી પક્ષો એકસાથે આવશે તેવા પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું આ એક પ્રક્રિયા છે અને અમે દેશ માટે વિપક્ષનું વિઝન વિકસાવીશું અને તે તમામ પક્ષો અમારી સાથે આવશે, અમે સાથે મળીને દેશમાં ચાલી રહેલી વૈચારિક લડાઈ લડીશું.  અમે સંસ્થાઓ પરના હુમલા, દેશ પરના હુમલા સામે એકજૂથ થઈને લડત આપીશું.

ખડગેએ જણાવ્યું હતું કે અમે અહીં એક ઐતિહાસિક બેઠક યોજી હતી. ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને અમે નિર્ણય કર્યો છે  અમે તમામ પક્ષોને એક કરીશું અને આવનારી તમામ ચૂંટણીઓ એક થઈને લડીશું.

નેતાઓએ ખડગેના નિવાસસ્થાને લંચ પણ લીધું હતું, જ્યાં જેડીયુ પ્રમુખ લલન સિંહ, બિહાર કોંગ્રેસના વડા અખિલેશ પ્રસાદ સિંહ, કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ અને આરજેડી નેતા મનોજ ઝા પણ હાજર હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસના વડા આગામી દિવસોમા વિરોધ પક્ષોના વિવિધ નેતાઓને મળશે. વિપક્ષે ભાજપને સત્તા પરથી દૂર કરવા માટે એક કોમન ઉમેદવાર નક્કી કરવાની યોજના બનાવી છે, પરંતુ કેટલાંક પક્ષોએ તેની સામે વાંધો વ્યક્ત કર્યો છે. કેટલાંક પ્રાદેશિક પક્ષો મહત્તમ બેઠક લડવા માગે છે અને કોંગ્રેસ 200 બેઠકોથી સંતોષ માનવા તૈયાર નથી.

LEAVE A REPLY