Remedies to relieve joint stiffness and pain
Closeup young woman feeling pain in her foot at home. Healthcare and medical concept. Tired and aching female feet after walking. Woman with feet intense pain sitting on a couch at home.

ડો. યુવા અય્‍યર આયુર્વેદિક ફિઝિ‌શિયન

સાંધા બહુ જ દુખે છે. સવારે સાંધા જકડાઈ જાય છે.ઓર્થોપેડિક ડોક્ટરને બતાવ્યું. બધા રિપોર્ટ અને એક્ઝામિનેશન કરાવ્યુ. આર્થરાઈટિસ નથી. સાંધાનો દુખાવાનું કારણ સિઝનલ છે એવું નિદાનથયુ છે.

ભેજવાળા વાતાવરણમાં સ્નાયુ અને સાંધામાં દુઃખાવો વધુ થાય છે. પેઈનકિલર, વિટામીન-મિનરલ્સની ટેબ્લેટ્સ અને પેઈનરિલિવિંગ જેલ પ્રિસ્ક્રાઈબ કર્યું છે. પરંતુ તમે તો મારી પ્રકૃતિ જાણો છો. પિત્તને કાબૂમાં રાખવું મારા માટે હંમેશની ચેલેન્જ હોય છે. પેઈનકિલર લેવાથી ખૂબ એસિડિટી થઇ જાય છે.

• આયુર્વેદિક ઉપચાર બતાવો
સાંધામાં દુઃખાવો અને જકડાહટમાં ફાયદો થાય અને સાંધાની જકડાહટ અને દુખાવામાં રાહત મળે તે માટે આયુર્વેદિય ઉપચાર માટે ઇચ્છુક સ્ત્રીએ ઉપર મુજબ રજૂઆત કરી. તે સાથે રિપોર્ટસ બતાવ્યા. આવશ્યક પરિક્ષણ અને પ્રકૃતિને ધ્યાનમાં રાખીને | ઠંડી,ભેજ-બાફવાળા વાતાવરણને કારણે સાંધાની જડાહટ અને દુખાવા માટે આયુર્વેદિય ચિકિત્સા પદ્ધતિના બે મુખ્ય અંગ આહાર અને વિહાર સબંધિત સૂચનો વિશે સમજાવ્યું.
બહેન આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિથી વાકેફ અને ઉત્સુક હતી. આવશ્યક સૂચનોનું પાલન કરી અને સાદા કુદરતી ઉપચારથી સાંધાની જકડાહટ-દુખાવાથી છુટકારો મેળવ્યો.

• સામાન્ય રીતે સંધિઓમાં જોડાયેલા હાડકાઓમાં ઘસારો, સ્નાયુઓને ઈજા થવાથી, સાંધાની રચનામાં ભાગ લેતા કાર્ટિલેજીસમાં કોઈ વિકૃતિ થવાથી, સાંધાને જોડતાં સ્નાયુઓમાં કોઇપણ કારણસર સોજો અથવા શિથિલતા આવવા જેવા અન્ય રચનાગત અને સાંધાની હલનચલન ક્રિયામાં બાધા ઉભી થવાને કારણે સાંધામાં જકડાહટ અને દુઃખાવો થાય છે. યોગ્ય પરિક્ષણથી મુખ્યત્વે સાંધાના દુખાવા માટે જવાબદાર ઓસ્ટીઓ આર્થરાઈટિસ અથવા રૂમેટોઈડ આર્થરાઈટિસનું નિદાન કરવામાં આવે છે. નિદાન અનુસાર તેની દવાઓ અને તેનાં ઉપચાર સૂચવવામાં આવે છે.
કોઈ કિસ્સામાં આ બે મુખ્ય રોગમાંથી કોઈ કારણ ન હોય તેવું પણ જોવા મળે છે. જેમાં અહીં જે બહેને ફરિયાદ કરી તે મુજબ અતિ વરસાદનાં ભેજવાળા વાતાવરણ અને ત્યારબાદ હવામાનના બાફની આડઅસરથી અને ઠંડીથી પણ સાંધામાં દુખાવો થતો હોય છે. આ માટે પ્રકૃતિગત દોષોને ધ્યાનમાં રાખીને થોડા ખોરાક સંબંધિત સૂચનો અને ઘરગથ્થુ ઉપચારથી પણ ફાયદો શક્ય બનતો હોય છે.

• ખોરાક સબંધિત સાવધાની અને સૂચનો

• ઉપવાસ – સાંધાની જકડાહટ અને દુખાવાના મૂળભૂત કારણરૂપ લોહીમાં રહેલ ‘આમ” રૂપી ટોક્સિકને કાઢવું આવશ્યક હોય છે. આથી પ્રકૃતિને ધ્યાનમાં રાખીને ૩,૭,૧૦ અથવા વધુ દિવસ ઉપવાસની સલાહ આપવામાં આવે છે. ઉપવાસ દરમ્યાન આયુર્વેદના સિદ્ધાંત્તાનુસાર શરૂઞાતમાં પ્રવાહી ખોરાક જેમકે સૂંઠ નાંખીને ઉકાળીને ઠંડું કરેલું પાણી, બાફેલા મગનું પાણી – ઘીમાં જીરૂ, હીંગનો વધારે હળદર, મીઠું, ધાણાજીરૂ નાખેલું પાણી, ગાજર, દૂધી, પરવળ, પાલક જેવા સરળતાથી પચી જાય તેવા શાકભાજીનો સુપ જેવો પ્રવાહી તાજો અને ગરમ ખોરાક લેવો.
ત્યારબાદ જેમ પાચન શક્તિની તીવ્રતા યોગ્ય થતી જાય તેમ પ્રવાહી ખોરાક ઉપરાંત રસાવાળા શાક, પાતળી મગની દાળ, ગળેલી ખીચડી, ફુલકા રોટલી જેવો સુપાચ્ય ખોરાક વૈદની સલાહનુસાર લેવાથી ‘આમ’ને કારણે સાંધામાં આવતા સોજા, સણકા અને દુખાવામાં પણ રાહત થાય છે.

• સુપાચ્ય ખોરાક પીણાની સાથે ઋતુ અને પ્રકૃતિ અનુસાર પાકું પપૈયું, ચીકુ, દાડમ, કેળા જેમાં ખટાશ ન હોય તેવા ફળ લેવાનું સૂચવાય છે.

ભોજનમાંથી ખટાશ આવશ્યક સમય માટે બંધ કરવાની સૂચના આપવામાં આવે છે. રોજબરોજની રસોઈમાં વપરાતાં કોકમ, ટમેટા, લીંબુ, દહીં, ખાટી છાશ, અથાણાં બંધ કરવા

આથાવાળા, પચવામાં ભારે, મીઠાઈ ચીકાશવાળો ખોરાક બંધ કરવા જણાવાય છે.

લસણ, આદું, અજમો, તજ, હળદર, મરી, ધાણા જેવા પાચન સુધારે તેવો મસાલાયુક્ત સાદો ખોરાક ખાવાથી ‘આમ’ દૂર થાય છે.

• ઘરગથ્થુ ઉપચાર

• કબજીયાત અને વાતપ્રધાન પ્રકૃતિ ધરાવતા હોય તેઓને રાત્રે સૂતા સમયે નવશેકા ગરમ પાણી સાથે દિવેલ લેવાનું સૂચવવામાં આવે છે. શરૂઆતમાં ૩ દિવસ દરરોજ ત્યારબાદ અઠવાડિયામાં એક વખત.
• મેથીના દાણા, હળદર અને સૂંઠનાં પાવડરને સરખા પ્રમાણમાં ભેળવી સવાર-સાંજ બે વખત નવશેકા પાણી સાથે પીવાનું સૂચવાય છે.
• ભેજવાળા વાતાવરણ અને બફારાની , ઠંડકની અસરથી સાંધામાં થતી જકડાહટ દૂર થાય તે માટે નવશેકા પાણીથી ન્હાવાનું સૂચવાય છે. ન્હાતા પહેલાં મહાનારાયણ તેલ, પંચગુણ તેલ, સરસિયું જેવા વાયુનાશક તેલનું હળવા હાથે માલિશ કરવાથી સાંધાની જકડાહટ દૂર થાય છે

અનુભવ સિદ્ધઃ:

મહારાસ્નાદિ ક્વાથ, યોગરાજ ગુગળ જેવી અનેક શાસ્ત્રોક્ત ઔષધિઓ પ્રકૃતિને ધ્યાનમાં રાખી વૈદની સલાહનુસાર લેવી.
સાંધામાં જકડાહટ અને સણકા આવવા માટે જવાબદાર ‘ આમ’ ને દૂર કરવા માટે ખોરાકમાં સાવચેતી અને દિવેલ, હળદર, મેથી જેવા હાથવગા ઘરગથ્થુ પદાર્થોનો ઉપયોગ વધુ ફાયદાકારક ત્યારે શક્ય બને જ્યારે આ ઉપચારો પાછળ રહેલાં આયુર્વેદના વૈજ્ઞાનિક સિદ્ધાંતો વિશે જાણી અને અપનાવીએ.

LEAVE A REPLY