(PTI Photo)

બાંગ્લાદેશ અને ભારતના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે રવિવારે મોડી રાત્રે રેમલ વાવાઝોડું ત્રાટકતા ભારે વિનાશ સર્જાયો હતો અને ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા હતા. પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં આશરે 15,000 ઘરોને નુકસાન થયું હતું. રાજ્યના જુદા જુદા ભાગોમાં ઓછામાં ઓછા 2,140 વૃક્ષો ધરાશાયી થયા હતા, 337 ઈલેક્ટ્રીક થાંભલા પડી ગયા હતા.

વીજળી ગુલ થતાં લાખ્ખો લોકોના ઘરમાં અંધારપટ છવાયો હતો. જોરદાર પવન અને ભારે વરસાદ સાથે ત્રાટકેલા વાવાઝોડાથી કોલકાતા શહેરમાં 50થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. રવિવારથી એરપોર્ટ કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. બાંગ્લાદેશે મોંગલા અને ચિત્તાગોંગ બંદરો પર પણ કામગીરી સ્થગિત કરી દીધી હતી.

ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે બાંગ્લાદેશના મોંગલા બંદર અને ભારતના પશ્ચિમ બંગાળ નજીકના સાગર ટાપુઓના દરિયાકાંઠાના વિસ્તારોને વાવાઝોડું ઓળંગી ગયું હતું વાવાઝોડા દરમિયાન પવનની ઝડપ પ્રતિકલાક 135 કિમી (લગભગ 84 માઇલ પ્રતિ કલાક)ની રહી હતી. કોલકાતામાં પ્રાદેશિક હવામાન કચેરીએ જણાવ્યું હતું કે લેન્ડફોલ પ્રક્રિયા રવિવારે સ્થાનિક સમય મુજબ રાત્રે 9 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી અને લગભગ પાંચ કલાક સુધી ચાલુ રહી હતી. કોલકાતામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું

પોલીસે જણાવ્યું હતું. બંને દેશોના દરિયાકાંઠાના વિસ્તારોમાં માટીના મકાનો ધરાશાયી થયા હતા. અને ઝૂંપડાઓની છત ઉડી ગઈ હતી.

બાંગ્લાદેશે રવિવારે સવારથી મોંગલા અને ચિત્તાગોંગના બંદર વિસ્તારો અને નવ દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી લગભગ 8 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. ભારતમાં પણ આશરે 2 લાખ લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવ્યા હતા. ઢાકાએ લગભગ 8,000 ચક્રવાત આશ્રયસ્થાનો ઊભા કર્યા હતા. ભારતીય નૌકાદળે કહ્યું હતું કે તેને જહાજો, એરક્રાફ્ટ, ડાઇવર્સ અને તબીબી પુરવઠો સ્ટેન્ડબાય રાખ્યો છે. વહેલી ચેતવણી અને સમયસર સ્થળાંતરથી બંને દેશોને તોફાનથી મોટી જાનહાનિ ટાળવામાં મદદ મળી હતી. જોકે પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું હતું. બાંગ્લાદેશમાં સત્તાવાળાઓએ અકસ્માતો ટાળવા માટે અગાઉથી ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરી દીધો હતો

LEAVE A REPLY