ચીનની ઓટો ક્ષેત્રની અગ્રણી કંપની SAICની માલિકીની MG મોટર ભારત ખાતેના તેના કાર બિઝનેસનો બહુમતી હિસ્સો વેચવા માટે વિચારણા કરી રહી છે અને આ હિસ્સો ખરીદવાની સ્પર્ધામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હીરો ગ્રૂપ, પ્રેમજી ઇન્વેસ્ટ અને JSW ગ્રૂપ સહિતની અગ્રણી કંપનીઓ સામેલ છે, એમ ગુરુવારે મીડિયા રીપોર્ટમાં જણાવ્યું હતું.
બિલિયોનેર મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અત્યારે ઓઈલ રિફાઈનરીથી લઈને ટેલિકોમ, રિટેલ, મીડિયા સહિતના બિઝનેસમાં હાજરી ધરાવે છે. પરંતુ ટાટા ગ્રૂપની જેમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ પ્રવેશે તેવી શક્યતા છે.
મીડિયા અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ભારતીય કંપનીઓ સાથે ગંભીર વાતચીત ચાલે છે અને ચાલુ વર્ષના અંત સુધીમાં MG મોટરના ભારતીય બિઝનેસનો સોદો થઈ જવાની શક્યતા છે.
ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદના કારણે તણાવમાં વધારો થયો છે. તેના કારણે ચીનની કંપનીને ભારતમાં જરૂરી મંજૂરીઓ મેળવવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. ઈન્ડસ્ટ્રીના સૂત્રો પ્રમાણે પેરન્ટ કંપની પાસેથી ફંડ એકત્ર કરવા માટે એમ જી મોટર છેલ્લા બે વર્ષથી પ્રયાસ કરી રહી છે. MG મોટર ઈન્ડિયાના સીઈઓ એમેરિટસ રાજીવ ચાબાએ જણાવ્યું કે એમ જી મોટરની યોજના તેની કામગીરીનું ભારતીયકરણ કરવાની છે. અમે શેરહોલ્ડિંગ, કંપનીના બોર્ડ, મેનેજમેન્ટ, સપ્લાય ચેઈનને આગામી બે વર્ષમાં ભારતીયકરણ કરવા માંગીએ છીએ.
MG મોટર ઈન્ડિયા હાલમાં ગુજરાતમાં હાલોલમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ધરાવે છે જે તેણે જનરલ મોટર્સ પાસેથી ખરીદ્યો હતો. હાલોલ પ્લાન્ટમાં કંપની વર્ષમાં 1.20 લાખ કારનું ઉત્પાદન કરી શકે છે. હાલોલ ખાતે કંપનીનો બીજો પ્લાન્ટ પણ આવી રહ્યો છે જેથી તેની કુલ ઉત્પાદન કેપેસિટી વધીને વાર્ષિક ત્રણ લાખ કારની થઈ જશે.