ફોર્બ્સની ‘100 રિચેસ્ટ ઇન્ડિયન્સ’ની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ 2023માં ફરીથી પ્રથમ સ્થાને છે. હિંડનબર્ગના રીપોર્ટના કારણે અદાણી જૂથના શેરોમાં ઘટાડાથી ગૌતમ અદાણી આ યાદીમાં બીજા ક્રમે છે. ભારતના ટોપ-100 ધનિકોની સંયુક્ત સંપત્તિ 799 બિલિયન ડોલરે પહોંચી છે. ફોર્બ્સે જાહેર કરેલી યાદી મુજબ મુકેશ અંબાણીની નેટવર્થ 92 બિલિયન ડોલર રહી છે. ગત વર્ષે ગૌતમ અદાણીએ આ યાદીમાં અંબાણીને પાછળ રાખી દીધા હતા. જોકે, અંબાણીએ ફરીથી નંબર વન સ્થાન મેળવી લીધું છે.

જાન્યુઆરીમાં હિંડનબર્ગના રીપાર્ટને પગલે અદાણી જૂથના શેરોમાં મોટો ઘટાડો નોંધાયો હતો અને એટલે આ વખતે ગૌતમ અદાણી ‘૧૦૦ રિચેસ્ટ ઇન્ડિયન્સ’ની યાદીમાં બીજા ક્રમે સરક્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં જૂથના શેરોમાં રિકવરી છતાં ફોર્બ્સના ડેટા અનુસાર ગૌતમ અદાણીની નેટવર્થ લગભગ 82 બિલિયન ડોલર ઘટીને 68 બિલિયન ડોલર થઈ છે. તાજેતરમાં હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં પણ મુકેશ અંબાણીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

મુકેશ અંબાણીની સંપત્તિ દર વર્ષે ચાર ગણી વધી છે. 2014માં અંબાણીની સંપત્તિ રૂ. 1, 65, 100 કરોડ હતી, જે હવે વધીને લગભગ રૂ. 8, 08, 700 કરોડ થઈ છે. ફોર્બ્સની યાદીમાં એચસીએલના શિવ નાદરે ત્રીજો ક્રમ મેળવ્યો છે. તેમની સંપત્તિ 29.3 બિલિયન ડોલરે પહોંચી છે. ગયા વર્ષે એચસીએલ ટેક્નોલોજિસના શેરમાં 42 ટકાના ઉછાળાને પગલે નાદરની નેટવર્થમાં વધારો નોંધાયો છે. જિંદાલ ગ્રૂપના સાવિત્રી જિંદાલ 24 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ચોથા સ્થાને રહ્યા છે. સપ્ટેમ્બરમાં જેએસડબલ્યુ ઇન્ફ્રા.ના સફળ આઇપીઓને પગલે તેમની સંપત્તિમાં 46 ટકા ઉછાળો નોંધાયો છે. જોકે, ડી-માર્ટના પ્રમોટર રાધાકિશન દામાણીની સંપત્તિ અગાઉના 27.6 બિલિયન ડોલરથી ઘટીને 23 બિલિયન ડોલર થઈ છે, પણ તેમણે પ્રથમ પાંચ ધનિકોમાં સ્થાન જાળવી રાખ્યું છે.

LEAVE A REPLY