ભારતના બીજા ક્રમના સૌથી મોટા અમીર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ જર્મન કંપની મેટ્રો કેશ એન્ડ કેરીના ભારત ખાતેના બિઝનેસ અને એસેટ ખરીદવા માટે રૂ.5,600 કરોડની નોન બાઇન્ડિંગ કરી છે, એમ આ ગતિવિધિથી માહિતગાર એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.
મેટ્રો કેશ એન્ડ કેરી હાલમાં મેટ્રો હોલસેલ બ્રાન્ડ હેઠળ ભારતમાં 31 સ્ટોર્સ ચલાવે છે. મેટ્રો એજીએ વર્ષ 2003માં ભારતીય બજારમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ હવે તે ભારતીય બજારમાંથી બહાર નીકળવાની તૈયારી કરી રહ્યું છે.
થાઈલેન્ડની સૌથી મોટી કંપની ચારોન પોકફંડ (CP) ગ્રુપે લગભગ એક અબજ ડોલર એટલે કે રૂ. 8000 કરોડની બોલી લગાવી છે. મેટ્રો કેશ એન્ડ કેરી લગભગ 19 વર્ષ બાદ ભારતમાં તેનો હોલસેલ બિઝનેસ બંધ કરવાની તૈયારી કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મેટ્રો ઈન્ડિયાએ રિલાયન્સ અને સીપીની ટીમને આગામી સમયના પ્લાનિંગ અંગે પ્રેઝન્ટેશન આપ્યું છે. અહેવાલ અનુસાર મેટ્રો ઇન્ડિયાની મૂળ જર્મન કંપની મેટ્રો એજી ભારતમાં રેગ્યુલેટરી વાતાવરણ અને સ્વદેશી વિરુદ્ધ વિદેશીની ચાલી રહેલી ચર્ચા અંગે ચિંતિત છે. આ સિવાય વિદેશી રિટેલ કંપનીઓ પર એફડીઆઈના ધોરણોનું ઉલ્લંઘનના આરોપો પણ લાગતા આવે છે. કેશ એન્ડ કેરીના મર્ચન્ટ બેન્કર્સ જેપી મોર્ગન અને ગોલ્ડમેન સૅક્સે કંપનીના બિઝનેસનું મૂલ્ય આશરે 1 અબજ ડોલર આંક્યું છે. આ માટે અંતિમ બાઈન્ડિંગ બિડ એક મહિનામાં સબમિટ કરી શકાય છે.