REUTERS/Toby Melville/File Photo

ભારતની સૌથી મોટી રિટેલર રિલાયન્સ રિટેલ વેન્ચર્સ યુકે સ્થિત ફેશન રિટેલર સુપરડ્રાઈના એશિયાના ત્રણ દેશો ખાતેના લાઇસન્સ અને બ્રાન્ડ એસેટ હસ્તગત કરશે. મુકેશ અંબાણીની કંપની ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકા ખાતેની કંપનીની આ એસેટ આશરે 40 મિલિયન પાઉન્ડ ($48 મિલિયન)માં હસ્તગત કરશે. આનાથી વિદેશી બ્રાન્ડ સાથે રિલાયન્સનું જોડાણ મજબૂત બનશે. બીજી તરફ મુશ્કેલીનો સામનો કરી રહેલી સુપરડ્રાયને ખૂબ જ જરૂરી ભંડોળ મળશે.

ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશને આવરી લેતી સુપરડ્રાય બ્રાન્ડ, તેના ટ્રેડમાર્ક્સ અને  અન્ય બૌદ્ધિક સંપદા અસ્કયામતો એક અલગ એકમમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ એકમમાં રિલાયન્સ રિટેલની પેટાકંપની રિલાયન્સ બ્રાન્ડ્સ હોલ્ડિંગ યુકે 76% અને સુપરડ્રાય પીએલસી 24% હિસ્સો રાખશે.

સુપરડ્રાય સાથે રિલાયન્સ રિટેલનું જોડાણ છેક 2012નું છે. તે સમયે રિલાયન્સે યુકે-સ્થિત કંપનીના ભારતના ફ્રેન્ચાઇઝ અધિકારો મેળવ્યાં હતા.નવા એકમમાં સુપરડ્રાય આશરે 10 મિલિયન પાઉન્ડનું રોકાણ કરશે, જે રિલાયન્સ રિટેલ પાસેથી મેળવનારા 40 મિલિયન પાઉન્ડ સામે સરભર કરાશે.

જુલિયન ડંકર્ટન અને જેમ્સ હોલ્ડર દ્વારા 2003ની ટોક્યોની સફર પછી સુપરડ્રાય શરૂ કરવામાં આવી હતી. બ્રિટિશ કંપનીએ જણાવ્યું હતું કે રિલાયન્સ રિટેલ સાથેનો સોદો તેની તરલતા વધારવામાં, તેની બેલેન્સ શીટને મજબૂત કરવામાં અને તેની ટર્નઅરાઉન્ડ પ્લાનના ભાગરૂપે તેની  કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરશે.

અબજોપતિ મુકેશ અંબાણીની માલિકીની, રિલાયન્સ રિટેલ ભારતમાં 18,000થી વધુ સ્ટોર્સ ચલાવે છે, જે 50થી વધુ વિવિધ ફેશન બ્રાન્ડ્સનું વેચાણ કરે છે. તે ભારતમાં ગેસ અને આઇકોનિક્સ બ્રાન્ડ્સની બૌદ્ધિક સંપત્તિની પણ માલિકી ધરાવે છે.

સુપરડ્રાય ખાસ કરીને શર્ટ, હૂડી અને જેકેટનું વેચાણ કરે છે. ગ્રાહકો જીવનનિર્વાહના ખર્ચ અને વાસ્તવિક વેતનમાં ઘટાડાનો સામનો કરી રહ્યાં છે ત્યારે સુપરડ્રાય હોલસેલ પાર્ટનર્સના નબળા ઓર્ડરનો સામનો કરી રહી છે.

 

LEAVE A REPLY