રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ રિટેલમાં સિંગાપોરનું સોવેરિન વેલ્થ ફંડ જીઆઇસી 5512.50 કરોડ રૂપિયામાં 1.22 ટકા હિસ્સો અને ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ ટીપીજી કેપિટલ 1837.50 કરોડ રૂપિયામાં 0.41 ટકા હિસ્સો ખરીદશે તેમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એક નિવેદનમાં જણાવ્યું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડ (આરઆરવીએલ)એ જાહેરાત કરી હતી કે જીઆઇસી અને ટીપીજી કેપિટલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની આરઆરવીએલમાં અનુક્રમે 5512.50 કરોડ રૂપિયા અને 1837.50 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
આ બંને સમજૂતી માટે રિલાયન્સ રીટેલનું મૂલ્ય 4.285 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. 5512.50 કરોડ રૂપિયાના રોકાણના બદલામા જીઆઇસીને આરઆરવીએલનો 1.22 ટકા હિસ્સો મળશે. જયારે 1837.50 કરોડ રૂપિયાના બદલામાં ટીપીજી કેપિટલને આરઆરવીએલનો 0.41 ટકા હિસ્સો મળશે. ઉલ્લેખનીય છે કે ટીપીજીનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં બીજુ મોટું રોકાણ છે.
આ અગાઉ ટીપીજીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ જીઓમાં 4546.80 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. આ સાથે જ 9 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં રિલાયન્સ રિટેલે 32,297.50 કરોડ રૂપિયામાં કુલ 7.28 ટકા હિસ્સો વેચ્યો છે. 9 સપ્ટેમ્બરે અમેરિકાની ખાનગી ઇક્વિટી કંપની સિલ્વર લેકે 7500 કરોડ રૂપિયામાં રિલાયન્સ રીટેલનો 1.75 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી.