બિલિયોનેર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ફોર્બ્સની વિશ્વભરની ટોચની 2000 કંપનીઓની વર્ષ 2023ની યાદીમાં આઠ સ્થાન કૂદાવીને 45મા ક્રમ પર રહી છે. ગત વર્ષ કરતાં રિલાયન્સ આ યાદીમાં 8 ક્રમ ઉપર રહી છે. રિલાયન્સ આ યાદીમાં જર્મનીની બીએમડબ્લ્યુ, સ્વિત્ઝર્લેન્ડની નેસ્લે, ચીનની અલીબાબા, અમેરિકાની પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, જાપાનની સોની જેવી જાયન્ટ કંપનીઓ કરતાં આગળ રહી હતી. કુલ 55 ભારતીય કંપનીઓ આ યાદીમાં છે. અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓ-અદાણી એન્ટરપ્રાઈસ (1062મો ક્રમ), અદાણી પાવર (1488), અને અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ (1598)નો આ યાદીમાં સમાવેશ છે. આ યાદીમાં 3.7 ટ્રિલિયનની એસેટ સાથે અમેરિકાની સૌથી મોટી બેન્ક જેપી મોર્ગન ટોચના સ્થાને રહી છે.
કંપનીનું વેચાણ, નફો, એસેટ્સ અને માર્કેટ વેલ્યૂ એ ચાર માપદંડને આધારે ફોર્બ્સ દ્વારા દર વર્ષે ગ્લોબલ 2000 રેન્ક આપવામાં આવે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 109.43 અબજ ડોલરનું વેચાણ અને 8.3 અબજ ડોલરનો પ્રોફિટ દર્શાવ્યો છે. ગત વર્ષે તે 53મા ક્રમે હતી.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) યાદીમાં 77મા ક્રમે રહી હતી, જે ગત વર્ષે આ યાદીમાં 105મા ક્રમ પર હતી. એચડીએફસી બેન્ક 128મા ક્રમે રહી છે જે ગત વર્ષે 153મા ક્રમ પર હતી. આઈસીઆઈસીઆઈ બેન્ક 163મા ક્રમે રહી છે જે ગત વર્ષે 204મા ક્રમ પર હતી.
ઓએનજીસી 226મા ક્રમે અને એચડીએફસી 232મા ક્રમે રહી છે. એલઆઈસી પ્રથમવાર આ યાદીમાં આવી છે અને તે 363મા ક્રમે રહી છે. ટીસીએસ 387મા ક્રમે રહી છે જે ગત વર્ષે 384મા ક્રમે હતી. આમ, તે ત્રણ ક્રમ નીચે ઊતરી છે. એક્સિસ બેન્ક(423), NTPC (433), એલ એન્ડ ટી(449), ભારતી એરટેલ (478), કોટક મહિન્દ્રા બેન્ક (502), આઈઓસી (540), ઈન્ફોસીસ (554), બેન્ક ઓફ બરોડા (586), કોલ ઈન્ડિયા (591), ટાટા સ્ટીલ (592), હિન્દાલ્કો (660) અને વેદાંત(687)નો પણ આ યાદીમાં સમાવેશ છે.