રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની 45મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ)માં સોમવાર, 29 ઓગસ્ટે ચેરમેન મુકેશ અંબાણીએ શેરહોલ્ડર્સને સંબોધન કરતાં ભારતમાં 5G સર્વિસના લોન્ચ, એફએમસીજી બિઝનેસમાં પ્રવેશ, વોટ્સએપ સાથે ભાગીદારી, પાવર ઇલેક્ટ્રોનિક્સ માટે નવી ગીગા ફેક્ટરીની સ્થાપના તથા વારસાની યોજના સહિતની સંખ્યાબંધ જાહેરાતો કરી હતી.
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ ભારતમાં 5G સર્વિસ લોન્ચ કરવા રૂ.2 લાખ કરોડનું રોકાણ કરશે. કંપની આ વર્ષની દિવાળી સુધીમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઇ અને કોલકતા જેવા મેટ્રો શહેરોમાં 5G સર્વિસ લોન્ચ કરશે. કંપની ડિસેમ્બર 2023 સુધીમાં ભારતના દરેક શહેરમાં 5G સર્વિસ લોન્ચ કરશે અને 18 મહિનામાં હાઇ સ્વીડ ફિકસ્ડ બ્રોડબેન્ડ સાથે 100 મિલિયન પરિવારોને આવરી લેવાની યોજના બનાવી છે.
વારસા યોજના અંગે 65 વર્ષના મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે નવી પેઢી વિવિધ બિઝનેસનો હવાલો વિશ્વાસપૂર્વક સંભાળવી રહી છે. આકાશ અંબાણી જિયો ટેલિકોમ અને ઈશા અંબાણી રિટેલ બિઝનેસ અને અનંત અંબાણી ન્યુ એનર્જી બિઝનેસની જવાબદારી સંભાળી રહ્યાં છે. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સે તમામ બિઝનેસમાં જોરદાર વૃદ્ધિ કરી છે અને હવે કંપનીની આવક બિલિયન અબજ ડોલરને પાર કરી જશે.
રિલાયન્સ રિટેલના ડાયરેક્ટર ઇશા અંબાણીએ જાહેરાત કરી હતી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ વર્ષે ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગૂડ્સ (એફએમસીજી બિઝનેસ લોન્ચ કરશે. તેમણે વોટ્સએપ-જિયોમાર્ટ પાર્ટનરશીપની પણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે હવે ગ્રાહકો મેટાની માલિકીના વોટ્સએપ પર ગ્રોસરી અને હાઉસહોલ્ડ પ્રોડક્ટ્સની ખરીદી કરી શકશે. ઈશા અંબાણીએ વોટ્સએપ સાથેની ભાગીદારી અંગે ટ્રાયલ રન કરીને બતાવ્યું હતું. રિલાયન્સ ડિજિટલ 8700 સ્ટોર્સ સાથે 7000 જિલ્લામાં વ્યાપ ધરાવે છે.
રિલાયન્સ જિયો વિશ્વમાં સૌથી ઝડપથી 5G રોલઆઉટ પ્લાન સાથે સજ્જ હોવાની જાહેરાત કરતાં મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ કહ્યું હતું કે, 5Gમાં પુષ્કળ શક્યતા રહેલી છે જે આપણા દેશના કરોડો લોકોના જીવનમાં પરિવર્તન લાવશે. તેનાથી એગ્રીકલ્ચર, હેલ્થકેર અને એજ્યુકેશન ક્ષેત્રે ચિત્ર બદલાઈ જશે.
રિલાયન્સની AGMમાં ભવિષ્ય માટે કેટલીક યોજનાઓ જાહેર થઈ હતી, જેમાંથી એક જિયો ક્લાઉડ પીસી પણ સામેલ છે. તેમાં જિયોફાઈબરનો ઉપયોગ કરીને ગ્રાહકો એક વર્ચ્યુઅલ PCનો ઉપયોગ કરી શકશે. તેના માટે કોઈ નવું રોકાણ કરવાની કે અપગ્રેડ કરવાની જરૂર નહીં પડે. પીસીનો પાવર મેળવવા માટે તે એક સુપર એફોર્ડેબલ રસ્તો છે. 5G માટે પણ જિયો તેના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરાશે જે સ્ટેન્ડ-અલોન 5G તરીકે ઓળખાશે. તે 4G નેટવર્ક પર બિલકુલ આધારિત નહીં હોય.