એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણી ભારતમાં અમેરિકાની પ્રખ્યાત રિટેલ ફૂડ ચેઇન 7 ઇલેવનના કન્વેનિયન્સ સ્ટોર્સ ભારતમાં લાવશે. રિલાયન્સ ગ્રૂપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે (RRVL) અમેરિકાના ટેક્સાસની કંપની 7-ઇલેવન સાથે ભારતમાં 7-ઇલેવન કન્વિનિયન્સ સ્ટોર્સ ભારતમાં શરૂ કરવા માટે માસ્ટર ફ્રેન્ચાઇઝી કરાર કર્યા છે. પહેલો 7-ઇલેવન સ્ટોર 9 ઓક્ટોબરે મુંબઈમાં શરૂ કરવામાં આવશે.
ફ્યુચર રિટેલે 7 ઇવેલન સાથે સમજૂતીનો અંત આણ્યા પછી રિલાયન્સે આ અમેરિકી કંપની સાથે સમજૂતી કરી છે. અગાઉ ફ્યુચર રિટેલની એસેટ ખરીદવા માટે મુકેશ અંબાણીએ એમેઝોન સાથે કોર્ટમાં લડાઈ લડવી પડી હતી.
વિશ્વના 18 દેશોમાં 7-ઇલેવનના 77,000થી વધારે સ્ટોર્સ આવેલા છે. 7-ઇલેવનના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જોએ ડીપિન્ટોએ કહ્યું કે, ભારત વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે અને વિશ્વનું સૌથી તેજ ગતિએ આગળ વધતું અર્થતંત્ર પણ છે. વિશ્વના સૌથી મોટા કન્વિનિયન્સ રિટેલર તરીકે અમારા માટે આ સૌથી શ્રેષ્ઠ સમય છે કે અમે ભારતમાં પ્રવેશ કરીએ. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ સાથે અમારી વ્યુહાત્મક ભાગીદારી 7-ઇલેવન બ્રાન્ડના અનુકૂળ ઉત્પાદનો અને સેવાઓ લાખો ભારતીયો સુધી પહોંચાડશે અને તેની શરૂઆત મુંબઈથી થઈ રહી છે.