પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગુરુવારે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડને ગેરકાયદેસર ગણાવીને અને તેમને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. ઇમરાનને પોલીસ લાઇન ગેસ્ટહાઉસમાં મોકલવામાં આવ્યા હતા અને કોર્ટના આદેશ મુજબ આવતીકાલે તેઓ મુક્ત થશે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને પગલે પાકિસ્તાનમાં રાજકીય અરાજકતામાં વધારો થવાની ધારણા છે.
સુપ્રીમ કોર્ટે ઇસ્લામાબાદ હાઇકોર્ટના પરિસરમાંથી ધરપકડ કરવા બદલ NABની સખત ટીકા કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઇમરાન ખાન આવતીકાલે સવારે 10 વાગ્યે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પાછા ફરે અને હાઈકોર્ટ જે પણ નિર્ણય કરે તેનું પાલન કરે.
જેલમાંથી મુક્ત થયા બાદ ઈમરાન ખાને કહ્યું હતું કે મને લાકડીઓથી મારવામાં આવ્યો હતો. જેલમાં મારી સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. ઈમરાન ખાને જેલમુક્ત થતાં જ કહ્યું હતું કે, મને કોર્ટ પરિસરમાંથી જ કીડનેપ કરવામાં આવ્યો હતો. જેલમાં મને લાકડીઓથી માર મારવામાં આવ્યો અને એક ગુનેગાર જેવું વર્તન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમે રમખાણો નહીં પણ ચૂંટણી ઈચ્છીએ છીએ. મારી તો ધરપકડ થઈ હતી તો પછી હું આ તોફાનો અને રમખાણોનો જવાબદાર કેવી રીતે હોઈ શકું. મેં ક્યારેય હિંસાની વાત નથી કરી. હું સૌને કહું છું કે સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન ના પહોંચાડો. તેમણે પોતાના સમર્થકોને શાંતિની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પીટીઆઈ કાર્યકર્તા કાયદો હાથમાં ના લે. પાકિસ્તાનની સપ્રિમ કોર્ટે પણ તેમને શાંતિની અપીલ કરવા જણાવ્યું હતું.