યુકે સરકાર ટ્રાફિક લાઇટ સિસ્ટમની સમીક્ષાના ભાગરૂપે ડબલ-રસી ધરાવતા વિદેશથી આવતા પ્રવાસીઓ માટેનાં મોંઘા પીસીઆર ટેસ્ટ્સ રદ કરવાની વિચારણા કરી રહી છે એમ ધ ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું છે. તે દેશોના લોકો માટે ઘણા યુરોપિયન દેશો જેવી જ પ્રક્રિયા રહેશે. હાલમાં પીસીઆર ટેસ્ટ્સ માટે સરેરાશ પ્રવાસી £70થી વધુ રકમની ચૂકવણી કરે છે જે કેટલાક પ્રદેશો માટે તો બમણી થઈ શકે છે.
અહેવાલો સૂચવે છે કે, મિનિસ્ટર્સ ટ્રાફિક લાઇટ સિસ્ટમને સરળ બનાવવાનું વિચારી રહ્યા છે, જેમાં વીવીધ દેશો માટેના ગ્રીન અને એમ્બરના વર્ગીકરણને સમાપ્ત કરવાનો પણ સમાવેશ થઈ શકે છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી 1 ઓક્ટોબર સુધીમાં મુસાફરીના નિયમોની સમીક્ષા પૂર્ણ કરે તેવી અપેક્ષા છે.
વર્તમાન પ્રોટોકોલ હેઠળ, સંપૂર્ણપણે રસીકરણ કરાયેલા પ્રવાસીઓએ એમ્બર અને ગ્રીન દેશોમાંથી યુકે આવ્યાના બે દિવસની અંદર પ્રથમ પીસીઆર ટેસ્ટની જરૂર પડે છે અને તેમને સેલ્ફ આઇસોલેટ થવાની જરૂર પડતી નથી. પરંતુ જેમણે સંપૂર્ણ (બે) રસી લીધી નથી તેવા ગ્રીન લીસ્ટ દેશમાંથી આવનારે એક ટેસ્ટની જરૂર પડે છે. જ્યારે એમ્બર દેશમાંથી આવનારે બે ટેસ્ટ કરાવવા પડે છે અને દસ દિવસ સુધી સેલ્ફ આઇસોલેટ થવું પડે છે. જ્યારે રેડ લીસ્ટ દેશોમાંથી આવનારા લોકોએ દસ દિવસ સુધી હોટલમાં ક્વોરેન્ટાઇન કરવાની અને બે પીસીઆર પરીક્ષણો કરવાની જરૂર છે.
ગ્રીન અને એંબર દેશો માટેના ફેરફાર અમલમાં આવ્યા બાદ જેમણે સંપૂર્ણ રસીકરણ કરાવ્યું નથી તેમને હજુ પણ અમુક પ્રકારના પીસીઆર ટેસ્ટમાંથી પસાર થવું પડશે. સરકાર રેડ લીસ્ટ દેશોમાંથી આવનારા લોકો સિવાય બેવડી રસીવાળા લોકો માટે પીસીઆર ટેસ્ટ દૂર કરવાનું વિચારી રહી છે.