જાપાનના હિરોશિમામાં જી-7 દેશોની સમીટમાં ભાગ લેવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યુ હતું કે ભારત તેની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે કટિબદ્ધ છે. ચીન સાથેના સંબંધો પરસ્પર આદર, સંવેદનશીલતા અને એકબીજાના હિતો પર આધારિત છે. લદ્દાખ સરહદ પર ભારત-ચીન તણાવ અંગેના એક પ્રશ્નમાં મોદીએ આવી ટિપ્પણી કરી હતી.
જાપાના મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં મોદીએ જણાવ્યું હતું કે, “પાડોશી દેશો વચ્ચે સામાન્ય દ્વિપક્ષીય સંબંધો માટે સરહદ પર શાંતિ અને સ્થિરતા જરૂરી છે. ભારત તેની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે તૈયાર અને કટિબદ્ધ છે.” વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન અંગે જણાવ્યું હતું કે, “અમે સામાન્ય અને પાડોશી જેવા સંબંધો ઇચ્છીએ છીએ. જોકે, સામેના પક્ષે એ માટે આતંકવાદ અને હિંસામુક્ત માહોલ તૈયાર કરવો જરૂરી છે. રશિયા-યુક્રેન યુદ્ધ અંગે તેમણે ફરી ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. મોદીએ કહ્યું હતું કે ભારત શાંતિના પક્ષમાં છે.