ભારતે ગુરુવારે ફરી એકવાર જણાવ્યું હતું કે ચીન સાથેના તેના સંબંધો સામાન્ય નથી અને પૂર્વી લદ્દાખમાં પેન્ડિંગ મુદ્દાઓને ઉકેલવા માટે બંને પક્ષો રાજદ્વારી અને લશ્કરી વાટાઘાટોમાં વ્યસ્ત છે.
પૂર્વ લદ્દાખની સ્થિતિ અંગેના એક સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતુ કે ચીન અંગે અમારું વલણ જાણીતું છે. તે એક એવો સંબંધ છે, જે સામાન્ય નથી, પરંતુ અમે સૈન્ય અને રાજદ્વારી બંને સ્તરે વાતચીત કરી છે.
જૂન 2020માં ગલવાન ખીણમાં ભીષણ અથડામણને પગલે બંને દેશો વચ્ચેના સંબંધો ખરડાયા હતા. જયસ્વાલે ઓક્ટોબર અને નવેમ્બરમાં બંને પક્ષો વચ્ચે લશ્કરી અને રાજદ્વારી વાટાઘાટોના છેલ્લા રાઉન્ડનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે અમારા વિચાર એ છે કે મંત્રણા દ્વારા મુદ્દાનો ઉકેલ આવે. ભારત એવું કહેતું આવ્યું છે કે જ્યાં સુધી સરહદી વિસ્તારોમાં શાંતિ નહીં હોય ત્યાં સુધી ચીન સાથે તેના સંબંધો સામાન્ય નહીં થઈ શકે.