બ્રિટનના વિપક્ષી નેતા સર કેર સ્ટાર્મરે સોમવારે ભારત સાથેના સંબંધો નવેસરથી મજબૂત કરવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે તેમના નેતૃત્વ હેઠળની “બદલાયેલી લેબર પાર્ટી”ની આગેવાનીવાળી હેઠળની સરકાર આધુનિક ભારત સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ઇતિહાસના કોઇ પણ મુદ્દાને લક્ષમાં લેશે નહિં.
કાશ્મીર જેવા વિવાદાસ્પદ મુદ્દાઓ પર ભારતીય ડાયસ્પોરામાં ભારત સાથે ઓછા મૈત્રીપૂર્ણ તરીકે દેખાતા લેબર પક્ષના અગાઉના નેતૃત્વના સ્પષ્ટ સંદર્ભમાં સર સ્ટાર્મરે લંડનમાં ઈન્ડિયા ગ્લોબલ ફોરમ (IGF) યુકે-ઈન્ડિયા વીકમાં પોતાના મુખ્ય સંબોધનમાં લેબરનો અભિગમ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આવતા વર્ષે અપેક્ષિત સામાન્ય ચૂંટણી પહેલા બ્રિટિશ ભારતીયો સાથે તેમણે ભારત સાથેના મુક્ત વ્યાપાર કરાર (FTA) માટે લેબરની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતાં સ્વીકાર્યું હતું કે તેઓ 10 ડાઉનિંગ સ્ટ્રીટના વડા પ્રધાન પદ પર નજર રાખી રહ્યા છે.
દેશના પ્રથમ બ્રિટિશ ભારતીય વડા પ્રધાન તરીકે ઋષિ સુનકની ઐતિહાસિક સિદ્ધિનો સ્વીકાર કરતાં સર સ્ટાર્મરે કહ્યું હતું કે “મારી પાસે આજે તમારા બધા માટે એક સ્પષ્ટ સંદેશ છે: આ એક બદલાયેલ લેબર પાર્ટી છે. બોર્ડમાં અમે એન્ટરપ્રાઇઝની શક્તિને સ્વીકારી છે અને અમે સમજીએ છીએ કે આધુનિક વિશ્વમાં તમારો માર્ગ ચૂકવવાનો આ એકમાત્ર રસ્તો છે. અને આનો અર્થ એ છે કે અમે બ્રિટિશ ભારતીય સમુદાય દ્વારા બ્રિટનમાં આપેલા યોગદાન અને ભારતીય સમુદાયને 21મી સદીના બ્રિટનમાં સફળતાની વાર્તા માટે જોઈ રહ્યા છીએ. અમે તેની ભવ્યતાથી ઉજવણી કરીએ છીએ… વડા પ્રધાન પણ આનો એક ભાગ છે. મને ખોટો ન સમજતા પણ હું તેમનું પદ લેવા માંગુ છું.”
ઓપિનિયન પોલમાં મોટી લીડ ધરાવતા 60 વર્ષીય નેતા સર સ્ટાર્મરે ભારતને “વિશ્વની સૌથી મોટી લોકશાહી” તરીકે વર્ણવતા જણાવ્યું હતું કે ‘’બ્રિટન માટે ગંભીર અને ઊંડા રાજદ્વારી સંબંધો માટે આધુનિક ભારત સાથે જોડાણ કરવા ઇતિહાસના પડછાયામાંથી બહાર આવવાની તક છે. મારી લેબર સરકાર ભારત સાથે લોકશાહી અને આકાંક્ષાના અમારા સહિયારા મૂલ્યો પર આધારિત સંબંધ ઇચ્છે છે. તે મુક્ત વેપાર કરારની માંગ ઉપરાંત વૈશ્વિક સુરક્ષા, આબોહવાની સુરક્ષા, આર્થિક સુરક્ષા ઉપરાંત નવી વ્યૂહાત્મક ભાગીદારીની ઇચ્છા રાખે છે.”
યુકેમાં ભારતીય ડાયસ્પોરા મતદારોને એક સંદેશ આપતાં તેમણે ઉમેર્યું હતું કે “આપણે હવે લેબર સાથે નવી શરૂઆત માટે આગળ વધવાની જરૂર છે અને તે સમગ્ર દેશમાં લેબર સરકાર અને સમુદાયો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની શરૂઆત હશે.”
લેબર નેતાનું સંબોધન દ્વિપક્ષીય ભાગીદારી પર ચર્ચાની એક દિવસીય શ્રેણીનો એક ભાગ છે, જેમાં યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે પોતાના પરિપ્રેક્ષ્યને શેર કર્યા હતા.
ભારત-યુકે સંબંધો અને ભારત-યુકે એફટીએ વાટાઘાટોના સંદર્ભમાં એલિસે જણાવ્યું હતું કે, “તે વિશ્વ માટે એક પ્રતીક છે કે વિશ્વની બે સૌથી મોટી લોકશાહીઓ વેપાર કરવા સક્ષમ છે, પરંતુ તે તેના કરતા ઘણું વધારે છે.”
દોરાઈસ્વામીએ કહ્યું હતું કે “ભારત યુકેને જે તક આપે છે અને યુકે જે તક આપે છે તે પ્રચંડ છે. ભારત અને યુકે દ્વારા અંદાજિત £34 બિલિયનના મૂલ્યના દ્વિપક્ષીય વેપાર સંબંધોને નોંધપાત્ર રીતે વધારવાની ધારણા સાથે હવે 11મો રાઉન્ડ યુકે-ઈન્ડિયા વીક 2023 પછી આવતા મહિને યોજાનાર છે.