વીમા ક્ષેત્રની નિયમનકારી સંસ્થા IRDAI એ હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL)ને દેવામાં ડૂબેલી રિલાયન્સ કેપિટલના ટેકઓવર માટે શરતી મંજૂરી આપી છે. આ મંજૂરીની સાથે અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલને રૂ.9,650 કરોડમાં ખરીદવા માટે હિન્દુજા ગ્રૂપનો માર્ગ મોકળો થયો છે.
IIHLના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “અમને ગઈકાલે (10 મે, 2024) અક્ષય તૃતીયાના શુભ અવસર પર IRDAI તરફથી મંજૂરી મળી છે આ મંજૂરી અમુક ‘નિયમનકારી, વૈધાનિક અને ન્યાયિક’ મંજૂરીઓને આધીન છે.”
IIHL શક્ય તેટલી વહેલી તકે આ બાકીની મંજૂરીઓ મેળવવા માટે પ્રતિબદ્ધ છે અને NCLTની નિર્ધારિત તારીખ 27 મે, 2024 સુધીમાં આ ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માગે છે.
રિલાયન્સ કેપિટલના વીમા બિઝનેસ એટલે કે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ અને રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સને IIHLમાં ટ્રાન્સફર કરવા માટે IRDAIની મંજૂરી મહત્ત્વની છે. રિલાયન્સ કેપિટલ રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ અને રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સના પ્રમોટર્સમાંની એક છે.
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે 27 ફેબ્રુઆરી, 2024ના રિલાયન્સ કેપિટલ માટે હિન્દુજા ગ્રૂપની આ કંપનીના રૂ.9,650 કરોડના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. નવેમ્બર 2021માં ગવર્નન્સના મુદ્દાઓ અને ચુકવણીમાં ડિફોલ્ટ્સને પગલે રિઝર્વ બેંકે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપની કંપનીના બોર્ડને બરખાસ્ત કર્યું હતું. સેન્ટ્રલ બેંકે નાગેશ્વર રાવ વાયને એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કરીને કંપનીને વેચવા કાઢી હતી. રિલાયન્સ કેપિટલ પર રૂ.40,000 કરોડનું દેવું હતું.
થોડા દિવસો પહેલા ચેરમેન અશોક હિન્દુજાએ કહ્યું હતું કે મોરેશિયસ સ્થિત IIHL ઇરડાઇની મંજૂરી મળ્યાના 48 કલાકની અંદર ધિરાણકર્તાઓને ચૂકવણી અને સોદા માટે રૂ.7,500 કરોડના ભંડોળની વ્યવસ્થા કરી છે.